દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સના ચાલકને પડી હાલાકી
BRTS રૂટ પર દોડતી કારના ચાલકે 108ને સાઈડ ન આપી
ભેસ્તાન અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી
પોલીસે કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો
દીકરાએ કારમાં સોંગ વોલ્યુમ ફૂલ કરી દીધું હતું : ચાલક
સુરત શહેરમાં દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સનેBRTS રૂટ પર દોડતી કારના ચાલકે સાઈડ ન આપતા ભેસ્તાન તેમજ ટ્રાફિક પોલીસે લાપરવાહ કારચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
સુરત શહેરના ભેસ્તાનથી ઉન વિસ્તારમાં ગત તા. 17 મે, 2025ના રોજ દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સની આગળBRTS રૂટમાં કાર હંકારનારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઈમરજન્સી હોવા છતાં પણ એમ્બ્યુલન્સને સાઈડ આપવામાં આવી ન હતી. જેથી મેડિકલ ઇમરજન્સીના કોલ માટે જઈ રહેલી એમ્બ્યુલન્સ 10 મિનિટ મોડી પડી હતી. આ બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મોયુનુદ્દીન મહંમદ ચાંદીવાલા નામના કારચાલકને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે કારચાલકે પોતાના બચાવમાં કારમાં બાળકે ચાલુ કરેલા મ્યુઝિક સિસ્ટમમાં સાયરન ન સંભળાયું હોવાનું જણાવ્યુ હતું.
જોકે, વાઇરલ વીડિયોના આધારે પોલીસે અને ટ્રાફિક વિભાગે કારચાલકને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. તો બીજી તરફ, પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારે ઇમરજન્સી વાહનની આગળ ક્યારેય પણ વાહન હંકારવું નહીં. એમ્બ્યુલન્સ હોય કે, ફાયર વિભાગનું વાહન કે, પછી અન્ય કોઈપણ ઈમરજન્સી વાહન પોતાનું સાયરન વગાડતું હોય ત્યારે ઝડપથી પોતાનું વાહન સાઈડ ઉપર કરી લેવું જોઈએ.