કાપોદ્રામાં કરોડોના ડાયમંડ ચોરીની ઘટના
ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં બની ઘટના
કટર વડે તિજોરી કાપીને ચોરીને આપ્યો અંજામ
ચોર સીસીટીવીનું DVR પણ સાથે લઇ ગયા
પોલીસે તપાસનો શરૂ કર્યો ધમધમાટ
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો કરોડો રૂપિયાના હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાએ ડાયમંડ ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરા અને રોકડા રૂપિયા ચોરીની ઘટનાએ પોલીસતંત્રને દોડતું કરી દીધું હતું.તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા હતા.
ચોરીની ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ DCP અને ACP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા,અને FSLની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.