લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામ
20 વર્ષીય યુવતીને મળ્યું મોત
બે વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગીને આવી હતી
ઘરકંકાસમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
પોલીસે આરોપી પ્રેમીની કરી ધરપકડ
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,પોલીસે આરોપી પ્રેમીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં પ્રેમિકાની ચકચારી હત્યા અંગેની જાણવા મળતી માહિતી અનુસાર,મુળ દાહોદના વતની અને હાલમાં પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહેતો રાહુલ મચ્છર મજૂરી કામ કરે છે. રાહુલની સાથે 20 વર્ષીય અસ્મિતા અને એક પુત્રી પણ રહે છે. રાહુલ અસ્મિતાને વતનથી બે વર્ષ પહેલા ભગાડીને સુરત લઈ આવ્યો હતો. ત્યારથી બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. આ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો.
અસ્મિતાના મામા જે નજીકમાં જ રહે છે, તેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ થઈ હતી. તેણે જોયું હતું કે, અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ હતી. અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરિવારે અસ્મિતાની હત્યા રાહુલે જ કરી હોવાના પરિવારના આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી હતી. જોકે, બાદમાં ફોરેન્સિક પીએમમાં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ગળેટૂંપો આપીને અસ્મિતાની હત્યા કરી છે.પરિવારની આ શંકા આખરે સાચી પડી હતી અને રાહુલે જ અસ્મિતાની હત્યા કર્યાનું બહાર આવ્યું હતું.
રાંદેર પોલીસે આરોપી પ્રેમી રાહુલ મચ્છરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.