સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાંથી SOG પોલીસે ક્લિનિક ચલાવતા બોગસ તબીબને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમી મળી હતી કે, ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાં એક તબીબ કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે, ત્યારે ક્લિનિક ચલાવતા બોગસ તબીબને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો પોસ્ટ ગ્રેજ્યુએટ અને તબીબની ડિગ્રી નહીં ધરાવતો હોવા છતા છેલ્લાં 6 માસથી ક્લિનિક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

SOG પોલીસે બોગસ તબીબ પાસેથી એલોપેથી દવા સહિત કુલ રૂપિયા 55 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાંથી છેલ્લા 4 દિવસમાં 2 બોગસ તબીબ ઝડપાયા ચૂક્યા છે. જેમાં ગત તા. 23 જાન્યુઆરીના રોજ લીંબડીના બળોલ ગામેથી પણએક બોગસ તબીબ ઝડપાયો હતો, ત્યારે હવે વધુ એક ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાંથી SOG પોલીસે બોગસ તબીબને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.