સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ગત મધરાતે મહંતની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રખ્યાત બાલા હનુમાનના મહંતની મધરાતે હત્યા કરીને અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મહંતના મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કુડા રોડ પર આવેલા પૌરાણીક બાલા હનુમાનજી મંદિરના 50 વર્ષીય મહંત દયારામ ઉર્ફે વિજયગીરી બાપુની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, મહંતની હત્યા થયાની જાણ થતાં સુરેન્દ્રનગર એસ.પી., ડી.વાય.એસ.પી., એસ.ઓ.જી. અને એલ.સી.બી. સહિત તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પોલીસે મહંતના મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ધ્રાંગધ્રા dysp જે.ડી.પુરોહિતે જણાવ્યું કે, મહંતની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે, તે દિશામાં તપાસ ચાલુ છે.