Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : ભંગારમાં જતી બંધ પડેલી કારને વઢવાણના વિદ્યાર્થીઓએ કરી વીજળીથી ચાલતી, આપ પણ જુઓ વિદ્યાર્થીઓની કરામત

સુરેન્દ્રનગર : ભંગારમાં જતી બંધ પડેલી કારને વઢવાણના વિદ્યાર્થીઓએ કરી વીજળીથી ચાલતી, આપ પણ જુઓ વિદ્યાર્થીઓની કરામત
X

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા અને ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક અનોખી કારનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બંધ પડેલી ભંગારની કારનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ વીજળીથી ચાલતી કાર બનાવી સમગ્ર જિલ્લામાં વઢવાણ શહેરનું નામ રોશન કર્યું છે.

સમગ્ર દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલ તેમજ ડીઝલના ભાવો વધી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલની માંગ વધતાં તેના વધુ વપરાશના કારણે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. જોકે વીજળીથી વાહનો ચાલે તે માટે સરકાર દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા અને સી.યુ. શાહ યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રીક કારનું નિર્માણ કર્યું છે. આ કાર ભંગારમાં જતી હતી, ત્યારે વિદ્યાર્થીઓએ આ કાર લઈને તે ઇલેક્ટ્રીકથી કેવી રીતે ચાલે તે માટે તેના પર કામ કર્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રીક કાર બનાવવામાં સફળ તો થયા પરંતુ કાર એકવાર ચાર્જ કર્યા બાદ વધુ એવરેજ આપતી નહોતી.

લગભગ 3થી 5 કિલોમીટર ચાલે એટલે કાર બંધ થઈ જતી હતી. ત્યારબાદ લોકડાઉન આવતા કોલેજ બંધ હતી, ત્યારે વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયનો સદુપયોગ કરી કાર વધુ એવરેજ કેવી રીતે આપે તે માટે ફરી કામ શરૂ કર્યું હતું. જેમાં આ કાર 2 કલાક ચાર્જ કર્યા બાદ 30થી 35 કિલોમીટર સુધી ચાલી શકે છે. વિદ્યાર્થીઓ દ્વારા લોકોને પણ સંદેશ આપવામાં આવ્યો છે કે, આ કાર ચલાવવાથી પર્યાવરણને બચાવી શકાય છે. સાથે જ આ કાર આર્થિક રીતે પણ લોકોને લાભદાયી છે.

Next Story