Connect Gujarat
ગુજરાત

તાપી : “લોકડાઉન”ની વિપદ વેળાએ ઔદ્યોગીક એકમોમાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે તંત્રના સરાહનીય પ્રયાસો

તાપી : “લોકડાઉન”ની વિપદ વેળાએ ઔદ્યોગીક એકમોમાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે તંત્રના સરાહનીય પ્રયાસો
X

“COVID-19”ની મહામારીને કારણે લાગુ “લોકડાઉન”ને પગલે રાજ્ય સમસ્તની જેમ તાપી જિલ્લામાંથી પણ અસંખ્ય પરપ્રાંતીય શ્રમિકો તેમના વતન તરફ પ્રયાણ કરી ગયા છે. જેને લઈને સ્થાનિક ઔદ્યોગીક એકમોમાં કામદારોની અછત વર્તાવા લાગી છે. જેની સીધી અસર તાપી જિલ્લાના ઔદ્યોગીક એકમો ઉપર પણ જોવા મળી રહી છે.

તાપી જિલ્લાના નાના-મોટા ઔદ્યોગીક એકમોમાંથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરીસ્સા વગેરે રાજ્યના પરપ્રાંતીય શ્રમીકો પોતાના વતન જતા રહ્યા હોવાથી, તાપી જિલ્લાના સ્થાનિક યુવકોને રોજગારી મળી રહે તેવા ઉમદા આશય સાથે, જિલ્લાના ઉદ્યોગ ગૃહો પણ ફરી ધમધમતા થાય તે માટે તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લા રોજગાર કચેરીને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી જિલ્લામાંથી સ્થળાંતરીત થયેલ શ્રમિકોનો સર્વે કરી અહીના એકમોમાં સ્થાનિક યુવકોને રોજગારી મળી રહે તે માટે જરૂરી કાર્યયોજના ઘડી કાઢવા માટે જણાવ્યુ હતું. જે મુજબ જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ તથા તેમની કચેરીના કર્મયોગીઓએ જુદી જુદી ટીમ બનાવી સ્થાનિક ઔદ્યોગીક એકમોની મુકાલાત લઈ, સ્થળાંતરીત થયેલા પરપ્રાંતીઓનો સર્વે કરી જિલ્લામાં રોજગારીની ખાલી જગ્યાઓ મેળવીને, આ જગ્યાઓ પર પ્રથમ તબક્કામાં ૧૦૦થી વધુ સ્થાનિક યુવકોને રોજગારી અપાવવામાં સફળતા મેળવી છે.

તાપી જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલના જણાવ્યા અનુસાર, હજુ પણ તાપી જીલ્લામાં રોજગારીની વિપુલ તકો રહેલી છે, જે યુવાનો જિલ્લાના ઔદ્યોગીક એકમોમાં સ્કિલ લેબર તરીકે રોજગારી મેળવવા માંગતા હોય તેઓએ જિલ્લા રોજગાર કચેરીની ઈ-મેલ આઈ.ડી. mcctapi@gmail.com પર પોતાનો બાયોડેટા મોકલી આપવો. કે જેથી જરૂરિયાત અને લાયકાત મુજબ તેમને રોજગારી પૂરી પાડવા સાથે, ઉદ્યોગ ગૃહોને પણ સ્કિલ લેબર સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય. “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે કાર્યરત જિલ્લા રોજગાર કચેરીના આ પ્રયાસોને બિરદાવતા જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લા રોજગાર અધિકારી એન.ડી.ભીલ સહિત કેરિયર કાઉન્સેલર સર્વ વિનોદ મરાઠે, વિરલ ચૌધરી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story