Connect Gujarat
ગુજરાત

તાપી : આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક, પ્રિ-મોંસૂન કામગીરી અંગે આપ્યા દિશાનિર્દેશ

તાપી : આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક, પ્રિ-મોંસૂન કામગીરી અંગે આપ્યા દિશાનિર્દેશ
X

દક્ષિણ ગુજરાતની બીજી સૌથી મોટી નદી એવી પૂણ્યસલીલા તાપી નદીની આસપાસ વસેલા તાપી જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન ઉદભવતી સંભવિત કોઈ પણ પરિસ્થિતિને સુપેરે પાર પડી શકાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રિ-મોંસૂન કામગિરિની ચર્ચા કરતાં કલેક્ટરે જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમો શરૂ કરી, જવાબદાર અધિકારી, કર્મચારીઓને ફરજનિયુક્ત કરવાની સૂચના આપી હતી.

તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ તમામે તમામ 7 તાલુકાઓ માટે લાયઝન અધિકારીઓની નિયુક્તિ બાબતે પણ ઉપયોગી દિશાનિર્દેશ આપ્યા હતા. ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના એક્શન પ્લાન અધ્યતન કરી જિલ્લા કક્ષાએ તેની જાણ કરવાની સૂચના આપતા કલેક્ટરે જોખમી વૃક્ષો, ઇમારતો, પાણીની ટાંકીઓ, વીજ પોલ, કોઝ-વે જેવા મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગટરો, નાળાઓની સાફ સફાઈ સાથે, વર્ષા માપન અને રિવર ગેજિંગના સાધનો, ગ્રામીણ કક્ષાએ તરવૈયાઓની ઉપલબ્ધતા, રેસક્યું બોટ અને સંભવિત પૂરથી અસરગ્રસ્ત ગામોની યાદી, જે.સી.બી., ડમ્પર, ટ્રક, ક્રેઇન જેવા સાધનો સહિત આશ્રય સ્થાનો વિગેરે મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. સમગ્ર બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહાસિંહ સહિત ડી.સી.એફ. આનંદ કુમારે પણ ભાગ લેતા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર બી.બી.વહોનિયાએ કર્યું હતું. જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હૉલ ખાતે યોજાયેલી પ્રિ-મોંસૂન અંગેની આ અગત્યની બેઠકમાં જિલ્લા કક્ષાના તમામ ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story