Connect Gujarat
ગુજરાત

તાપી : લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે માર્ગ પર લખાયા સૂત્રો, વહીવટી તંત્રની અનોખી લોકચેતના

તાપી : લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે માર્ગ પર લખાયા સૂત્રો, વહીવટી તંત્રની અનોખી લોકચેતના
X

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર તાપી જિલ્લામાં લોકડાઉનની સુચનાઓનું ચુસ્તપણે અમલિકરણ થઈ શકે તે માટે, જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.હાલાણી દ્વારા એક જાહેરનામું જારી કરી બિનજરૂરી ઘર બહાર નીકળતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) અંતર્ગત તાપી જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધો ફરમાવાયા છે. જે મુજબ કોરોના વાયરસના સંભવિત સંક્રમણને અટકાવી શકાય તે માટે, જિલ્લાની કોઈ પણ વ્યક્તિએ બિન જરૂરી ઘરની બહાર નીકળવાની તથા બિનજરૂરી અવરજવર કરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે.

તાપી જિલ્લાના વ્યક્તિઓને અન્ય જિલ્લાઓમાં જવા-આવવા સાથે અન્ય જિલ્લાના લોકોને તાપી જિલ્લામાં આવાગમન નહિ કરવાની પણ સૂચના જારી કરવામાં આવી છે. આ પ્રતિબંધિત હુકમો (૧) સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારી તથા રક્ષા સંબંધિત વિભાગો, તિજોરી, CAPF, EPFO, આપતકાલીન સેવાઓ, જાહેર ઉપયોગીતાઓ, વીજ સંબંધિત સેવાઓ, ટપાલ સેવા, હોમગાર્ડસ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સીઓ, આરોગ્યલક્ષી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, ફળફળાદી, શાકભાજી, માંસ અને માછલી, અનાજ તથા કરીયાણું, અનાજ દળવાની ઘંટી, બેકરી, પેટ્રોલ પમ્પ, એલ.પી.જી., પેટ્રોલિયમ અને ગેસની રિટેઇલ અને સ્ટોરેજ આઉટલેટ્સ, મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલસ, ક્લિનિક્સ, લેબોરેટરીઝ, નર્સિંગ હોમ, રેડક્રોસ સોસાયરી તથા આરોગ્ય સંબંધિત ઉત્પાદકો, વિક્રેતાઓ, પશુ આહાર/ઘાસચારો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ગ્રોસરી તથા હાઈજીન વસ્તુઓ, ઇ કોમર્સ, માસ્ક, સેનિટાઈઝર, બેંકો તથા ઈન્સ્યોરન્સ ઓફિસો, એ.ટી.એમ., પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા વર્તમાનપત્રોનું વિતરણ, ટેલિફોન, ઈન્ટરનેટ અને પ્રસારણ-કેબલ સર્વિસ વિગેરેના ઉત્પાદકો, વિક્રેતાઓ તથા તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓ, ઇલેક્ટ્રિસિટી વિતરણ-ઉત્પાદક યુનિટો અને સેવાઓ, આવશ્યક અને અનાવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન, કોલસો તથા ખનીજ પદાર્થો તેમજ સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, સિમેન્ટનું ઉત્પાદન, પરિવહન અને તેની સાથે સંકળાયેલ અન્ય માલ સામગ્રી તેમજ સાધન સામગ્રીની હેરફેર સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ફાયર, કાયદો અને વ્યવસ્થા તથા ઇમરજન્સી સેવાઓ, પાણી, સેનિટેશન તથા જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવા અધિકારી/કર્મચારીઓ તથા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનાર વ્યક્તિઓ ઉપરાંત સ્મશાનયાત્રાને લાગુ પડશે નહિ. આ પ્રતિબંધિત હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આગામી તા.૧૪/૪/૨૦૨૦ સુધી અમલી આ જાહેરનામાની નોંધ તાપી જિલ્લાના પ્રજાજનોને ગંભીરતાથી લેવા માટે જણાવાયું છે.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે પણ નગરપાલિકા દ્વારા આ બાબતે પ્રજાજનોને પૂરતી જાણકારી સાથે સાચું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર.જે. હાલાણીના માર્ગદર્શન મુજબ અનેકવિધ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વી પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર નગરના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર “પ્રજા જાગે, કોરોના ભાગે” જેવા જનજાગૃતિના સૂત્રો લખીને અનોખી લોકચેતના જગાવવામાં આવી રહી છે. માર્ગો સહિત નગરમાં ઠેર ઠેર જાહેર સ્થળોએ પ્રજાકીય જાગૃતિ માટેના લખાણો, પોસ્ટર્સ, હોર્ડિંગ્સ વિગેરે પણ પ્રદર્શિત કરીને આ અંગેની જાણકારી પુરી પાડવામાં આવી રહી છે. જેમાં સોનગઢ નગરના પ્રજાજનોને વ્યાપક સહયોગ માટે પણ નગરપાલિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story