વરસાદની સીઝનમાં ગરમાગરમ સમોસા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તેમાં પણ આ મોસમમાં મકાઈ ઘણી સારી મળતી હોય છે. તો આજે આપણે જોઇએ નાનાથી મોટા બધાનું દિલ જીતી લે તેવા મકાઈનાં સમોસાની રીત. આ ડિશ હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. તમે આ સમોસાને લીલી ચટણી કે ટામેટાનાં કેચઅપ સાથે ખાઈ શકો છો તો આજે આપણે મકાઈ સમોસાની રેસિપી જોઇએ.

સામગ્રી : 4 વાડકી મેંદો, 2 વાડકી બાફેલા મકાઈના દાણા, 400 ગ્રામ બટાકા બાફેલા, 2 નાની ચમચી ધાણાજીરુ, 3 ચમચી તેલ મોણ માટે, 2 નાની ચમચી આખા ધાણા, 2 નાની ચમચી શેકેલું જીરુ,1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચુ, 1 ચમચી આમચૂર પાવડર,મીઠું સ્વાદાનુસાર, તેલ તળવા માટે, થોડો ફુદીનો. તમે ઇચ્છો તો આમાં ખમણેલું ચીઝ કે પનીરનાં નાના ટુકડા કરીને પણ નાંખી શકો છો.

બનાવાની રીત: મેદામાં એક ચમચી તેલનું મોણ નાંખો. હવે તેમાં પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. બાફેલા મકાઈના દાણાને મસળી લો. બાફેલા બટાકા પણ તેમાં જ મિક્સ કરો અને બંનેને બરોબર મસળો. હવે અડધી ચમચી તેલ ગરમ કરો. તેમા આખા ધાણા અને ધાણાજીરુ નાંખો. તે બ્રાઉન થાય કે તરત જ બધા મસાલા અને બટાકા અને મકાઈનું મિશ્રણ મિક્સ કરો.

હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. મેંદાના પેંડા બનાવી ગોળ વણો. હવે તેને બે ભાગમાં કાપી લો. દરેક અડધા ભાગમાં મિશ્રણ ભરી સમોસા બનાવી લો. જો ધાર બંધ ન થાય તો તેની પર પાણીનો હાથ ફેરવો અને તેને ચોંટાડો. તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો. લીલી ચટણી કે સોસ સાથે ગરમાગરમ જમો અને બધાને જમાડો