રાજ્યમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સાસુ-જમાઇના હાર્ટ એટેકથી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ફૂલગલી વિસ્તારમાં આજે વહેલી સવારે સાસુ-જમાઈના હાર્ટ-એટેકથી મોત નીપજ્યા છે. ધાંગધ્રા શહેર ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમભાઇને વહેલી સવારે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી. જેમાં સારવાર દરમિયાન જેસડિયા ઇસાકભાઈ ઇબ્રાહીમભાઇનું મોત નીપજ્યું હતું.હોસ્પિટલમાં જમાઈનું મોત થયું હોવાના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેઓને હોસ્પિટલ ખસેડાતા  સારવાર દરમ્યાન તેઓનું પણ  મોત નીપજ્યું હતું.આજે બકરી ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં બે મોત થતા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો.