/connect-gujarat/media/post_banners/66bb687a1a4aeebeebfec75d2e8c4c85e184753cb6504a3701bffedaf12f3ff6.jpg)
મહિલા કલ્યાણ અને આત્મ નિર્ભરતા તથા પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા મધ્યપ્રદેશની યુવતીની 20 હજાર કી.મી.ની સાયકલ યાત્રા વડોદરા ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની સુશિક્ષિત યુવતી આશા માલવીએ હાલમાં સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા 20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે. આ સાહસિક સફરના ભાગરૂપે આ યુવતી વડોદરા આવી, ત્યારે જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિતના અધિકારીઓને મળી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, મારો આશય મહિલાઓ માટે સુરક્ષા અને આદરને અગ્રતા આપતાં સમાજને પ્રોત્સાહિત કરવાનો છે. હું મારી સાયકલ યાત્રા દ્વારા સમાજને મહિલાઓની સુરક્ષા અને આત્મ નિર્ભરતાનો સંદેશ આપવા માંગુ છું. તેની સાથે મારે વ્યાપક સ્તરે પર્યાવરણ જાગૃતિનો સંચાર પણ કરવો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ યુવતીના પ્રોત્સાહક અભિગમ માટે હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આશાએ તા. 1 નવેમ્બરે ભોપાલથી પર્યાવરણ અને મહિલા સન્માન સાયકલ યાત્રા શરૂ કરી હતી. તે ઝાબુઆ, દાહોદ, ગોધરા, બાલાશિનોર, અમદાવાદ, નડિયાદ થઈને વડોદરા આવી પહોચી હતી. 11 મહિના સુધી સતત સાયકલ યાત્રા કરી નવી દિલ્હીમાં આ સાહસનું આશા સમાપન કરવા માંગે છે, ત્યારે મહિલા સુરક્ષા અને સલામત પર્યાવરણ માટે આશાની આ નિસ્બત ખરેખર બિરદાવવા યોગ્ય છે.