આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવાનું આહવાન કર્યું છે. PM મોદી દ્વારા એક વિડીયો કોન્ફેરન્સના માધ્યમથી 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વર્ષ 2023 ઓગસ્ટ પહેલાં સરોવર નિમાર્ણનું આ કાર્ય પૂરું કરવું છે તેમ કહ્યું હતું. જેને લઈ હાલ અમૃત સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં પણ ભાવિ પેઢીને જળનો સમૃદ્ધ વારસો આપવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75ની સામે 81 અમૃત સરોવરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા કલેકટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલે સાવલી તાલુકામાં પાલડી, મોકસી, પ્રતાપનગર અને સમલયામાં નિર્માણાધિન અમૃત સરોવરનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોશી, મામલદાર,તાલુકા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.