વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કોયલી ખાતે આવેલ IOCL રિફાઇનરીમાં અચાનક થયેલા બ્લાસ્ટ બાદ આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. અંદાજે 6 કિમી દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગના પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
બનાવના પગલે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા તેમજ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોચ્યો હતો. આગની આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઉઠી હતી, તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.