ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવવી યુવતીને ભારે પડ્યું
અમેરિકન કેમિકલ એન્જિ. તરીકે ઓળખ આપી થઈ છેતરપિંડી
યુવતી સાથે રૂ. 2.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાય
છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની દિલ્હીથી ધરપકડ કરાય
વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય
વડોદરાની યુવતીને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના જાળામાં ફસાવી રૂ. 2.60 લાખની છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની અમેરિકન કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.
દેશમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહી છે. સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા દ્વારા ઓળખ વધારી પૈસા લૂંટવાની મોડસ ઓપરેન્ડી પર કામ કરી રહ્યા છે, ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાંથી 3 નાઈજીરીયન લોકોને ઝડપી પાડ્યા છે. જેમણે ઈન્સ્ટાગ્રામ મારફતે વડોદરાની એક યુવતી પાસેથી રૂ. 2.60 લાખની ઉચાપત કરી હતી. થોડા દિવસો પહેલા વડોદરાની યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરી હતી. જેણે પોતાની ઓળખ અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખ આપી હતી.
ધીરે ધીરે તે બન્ને સોશિયલ મીડિયાના મધ્યમથી નજીક આવી ગયા, ત્યારે આ યુવકે કહ્યું કે તેને ડિગબોઈમાં નોકરી મળી છે, અને પોતાના સામાનને છોડાવવા માટે યુવતી પૈસાની માંગણી કરી હતી. જેથી યુવતીએ ઓનલાઈન પૈસા મોકલ્યા હતા. ફરી એકવાર મશીનરી ખરીદવા માટે પણ પૈસા માંગવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવતી પાસેથી અલગ-અલગ બહાને અંદાજે 2.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવકે યુવતી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું, ત્યારે યુવતીને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં દિલ્હીથી 3 લોકોની ધરપકડ કરી છે, જેઓ નાઈજીરિયન છે. પોલીસે લેજુઓ જ્હોન, જિબ્રિલ મોહમ્મદ અને અગબુલે એકેનાની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓના ફોનમાંથી 500થી વધુ બેંક ખાતાની વિગતો પણ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.