ભારતના PM અને સ્પેનના PM બનશે વડોદરાના મહેમાન
તા. 28 ઓક્ટો.ના રોજ વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે
ટાટા એડવાન્સની ફાઇનલ એસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરાશે
વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાયો
પ્રકાશ પર્વ દિવાળી પૂર્વે વડોદરા શહેર રોશનીથી ઝળહાળ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજ તા. 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇન જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે, તેનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે, તારે વડોદરા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
હિન્દુઓના સૌથી મોટા રોશનીના પર્વ દીપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં તા. 28 ઓક્ટોબરના રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજ વડોદરા પધારી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગતને લઇને સમગ્ર શહેર ભવ્યાતિભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જેથી બરોડીયન્સ માટે 5 દિવસ પહેલાં દિવાળી હોય તેવો માહોલ જામ્યો છે. શહેરીજનો ભવ્ય રોશનીને નિહાળવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે ઉમટી રહ્યા છે. વડોદરા માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય બનનારી ઘટનાને લઇને શહેરીજનોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અને અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા કોર્પોરેશન, શહેર પોલીસ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 2 દેશોના વડાપ્રધાનોને આવકારવામાં કોઇપણ જાતની કચાસ રહી ન જાય તે રીતે શહેરને શણગારી દેવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, શહેરના માર્ગોની બન્ને તરફ તેમજ લક્ષ્મી વિલાસ પેલેસથી ટાટા એરક્રાફ્ટ યુનિટ સુધીના માર્ગોમાં આવતાં તમામ સર્કલોને ભવ્ય રોશનીથી ઝળહળા કરી દેવામાં આવ્યાં છે. પ્રકાશ પર્વ દીપાવલી પૂર્વે જ વડોદરા શહેર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે.