વડોદરાના મધ્યમવર્ગીય પરિવારની દીકરી પિતાની છત્રછાયા ગુમાવ્યાં બાદ પણ હિમંત હારી ન હતી અને આખરે પાયલોટ બનીને નામાંકિત એરલાઇન્સમાં નોકરી મેળવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ખુશ્બુ અંબાલાલ પરમાર હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે તે હિમંત અને સંઘર્ષ બાદ કોર્મશિયલ પાયલોટ બની છે. પોતાની સંઘર્ષગાથા વર્ણવતા ખુશ્બુ કહે છે અમે એવા ઘરમાં રહીએ છીએ કે જયાં દિવસે આવતાં પણ બીક લાગે છે. મારા પિતાનું અવસાન થયું ત્યારે હું, મારી મમ્મી અને મારો ભાઇ એકદમ દયનીય હાલતમાં આવી ગયાં હતાં કોઇ અમને પુછવા સુધ્ધા આવ્યું ન હતું.
ખુશ્બુના માતા છાત્રાલયમાં નોકરી કરે છે અને પતિના અવસાન બાદ તેમના શિરે પરિવારની જવાબદારી હતી. ખુશ્બુ વધુમાં કહે છે કે, જયારે તેણે પાયલોટ બનવાનું નકકી કર્યું ત્યારે 18 લાખથી વધારે રૂપિયા ફી હતી. ફીની રકમ સાંભળીને જ તેના સ્વપ્ન ચકનાચુર થઇ ગયાં હતાં પણ સરકારની સહાયથી તે પાયલોટ બની છે. એવીએશન ક્ષેત્ર વિશે તેણે જણાવ્યું કે, તમે પાયલોટ તો બની જાવ પણ નોકરી મળવી મુશ્કેલ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ખુશ્બુનું પાઇલટ બનવાનું સ્વપ્ન સાકાર થયું. ગુજરાત સરકારની યોજના હેઠળ રૂ. 24.72 લાખ રૂપિયાની લોન દ્વારા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે. સંઘર્ષ બાદ દીકરી પાયલોટ બનતાં માતા પણ ખુશખુશાલ છે
વડોદરાની ખુશ્બુની નામાંકિત એરલાઇન્સ કંપનીમાં આસીટન્ટ પાયલોટ તરીકે નોકરી મળી છે. સરકારની યોજનાઓનો સુચારૂ લાભ લઇને પણ શમણાઓને સાકાર કરી શકાય છે તે ખુશ્બુએ સિધ્ધ કરી બતાવ્યું છે. અનેક યુવક- યુવતીઓ કઇ બનવા માંગે છે પણ આર્થિક પરિસ્થિતિ સારી નહિ હોવાથી તેઓ નાસીપાસ થઇ જાય છે ત્યારે આવા યુવક અને યુવતીઓ માટે ખુશ્બુ એક પ્રેરણાસ્ત્રોત છે.