ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો
નરાધમે એક મહિનામાં 2 વાર રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના
હાલ બાળકી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઝારખંડ સરકારના મંત્રી દીપિકા પાંડે વડોદરા આવી પહોચ્યા
બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં 2 વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. ઝારખંડ સરકારના મંત્રીએ આ મામલે વડોદરા આવી સિવિલ હોસ્પિટલમાં બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે, ત્યારે આજરોજ પીડિતા તેમજ તેના પરિવારની મુલાકાત માટે ઝારખંડ સરકારના પંચાયતી રાજના મંત્રી દીપિકા પાંડે સિંગ વડોદરા પહોંચ્યા હતા. તેઓએ પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તબીબો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઝારખંડની સોરેન સરકાર દ્વારા પીડીતાના પરિવારજનોને ઈલાજ માટે રૂ. 4 લાખનો ચેક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાત્કાલિક મેડિકલ ઈમરજન્સી માટે વધુ રૂ. 50 હજાર ફાળવવામાં આવ્યા છે.
મંત્રી દીપિકા પાંડેએ માંગ કરી હતી કે, ઝારખંડ તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક લોકો ગુજરાતમાં ધંધા-રોજગાર અર્થે આવે છે, ત્યારે ગુજરાત સરકારની ફરજ બને છે કે, તેઓનું રક્ષણ કરવામાં આવે. આ ઉપરાંત અહીં આવતા લોકોના બાળકોના અભ્યાસ માટેની પણ વ્યવસ્થા કરવી એ ગુજરાત સરકારની જ જવાબદારી છે. અહીંના ઉદ્યોગોમાં મોટાભાગના માઇગ્રેટેડ લોકો આવે છે, જેઓની સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. બળાત્કાર ગુજારનાર આરોપી પણ ઝારખંડનો હતો. પરંતુ આરોપી એ આરોપી જ છે, તેની સાથે તેમજ વર્તન થવું જોઈએ. ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે, આ બાળકીની સારવાર માટે જો તેને રાજ્યની બહાર લઈ જવી પડે તો ગુજરાત સરકાર ઝારખંડ સરકાર સાથે વાતચીત કરી, તેની પણ વ્યવસ્થા કરાવે. જેમાં ઝારખંડ સરકાર તમામ ખર્ચ ઉઠાવવા માટે પણ તૈયાર હોવાનું મંત્રી દીપિકા પાંડેએ જણાવ્યુ હતું.