વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.બિસ્માર બનેલા માર્ગ અને સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ મળે એ સહિતની માંગ કરવામાં આવી હતી.
વડોદરાના કરજણ નજીક આવેલ ટોલપ્લાઝા પર સ્થાનિકો દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી રોજના સેંકડો વાહનો પસાર થાય છે પરંતુ હાઈવેનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે સ્થાનિકો ઉપરાંત અન્ય વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ કરજણ ટોલપ્લાઝા પર આસપાસના સ્થાનિકોને મુક્તિ નથી જેના કારણે સ્થાનિકોએ આર્થિક ભારણ વેઠવું પડે છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ, ટ્રાફિકજામની પરિસ્થિતી સમયે ટ્રાફીકનું નિયમન કરી શકે એવી માણસો મૂકવા અને સ્થાનિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે