Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા માતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, 3 વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન મોત...

ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા.

X

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગતરોજ સાંજે ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં માતા-પુત્ર દાઝ્યા હતા. જેમાં પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા. આ દરમિયાન સાંજે નયના બારોટ તેમના 3 વર્ષના પુત્ર દેવાંગને લઇને ઘરે આવ્યા હતા, અને મકાનનો દરવાજો ખોલી લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી હતી. એકાએક આગ ફાટી નીકળતા નયના બારોટ અને તેમનો પુત્ર દેવાંગ દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાની સાથે જ સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સોસાયટીના લોકોએ ઈજા પામેલા માતા અને પુત્રને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, માતા-પુત્ર ગંભીર રીતે ઘવાતા પુત્રનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જ્યારે માતાની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પરિવાર થોડા દિવસ પહેલા જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જેથી પરિવારે જાતે જ ગેસ કનેક્શન ફીટ કર્યું હતું. જેથી એવું અનુમાન છે કે, ગેસની પાઇપમાં લીકેજ થયું, અને આ દરમિયાન ઘર બંધ હતું, તેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. અને લાઇટની સ્વીચ ચાલુ કરતાં જ સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો.

Next Story