ગુજરાતમાં દારૂના ધંધામાં હવે રાજસ્થાનની બિશ્નોઇ અને મારવાડી ગેંગ સક્રિય બની ચુકી છે. વડોદરાના કોટંબી ગામના શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે ગોડાઉન જ ભાડે રાખી લીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજસ્થાનની મારવાડી અને બિશ્નોઇ ગેંગ રાજયમાં દારૂના ધંધામાં સક્રિય બની ચુકી છે. વડોદરા જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉનો ભાડે રાખી દારૃનો જથ્થો સંગ્રહ કરી તેને વાહનો મારફતે બુટલેગરો સુધી પહોંચાડવામાં આવી રહયો છે. તાજેતરમાં વરણામા પાસે એક ગોડાઉનમાંથી દારુનો વિપુલ જથ્થો ઝડપાયો હતો. જેમાં આરોપીઓની પુછપરછ દરમિયાન વડોદરાના કોટંબીમાં આવેલાં અન્ય એક ગોડાઉનની બાતમી મળી હતી. વડોદરા એલસીબીએ બાતમીની ખરાઇ કર્યા બાદ કોટંબીના શાહ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડયાં હતાં. પોલીસે તપાસ કરતા ગોડાઉનમાંથી દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતાં બે ટેમ્પા, બાઇક અને દારૂ અને બીયરની ૭૭૨૮ બોટલો મળી આવી હતી. આ ગોડાઉનના માલિક વડોદરાના રહેવાસી ગીરીશ ભાસ્કરરાવ પાટીલ હોવાનું તથા આ ગોડાઉન હાલ જોધપુરના ફાલોડીના આઉ ગામના રવિ વૈષ્ણવે 3 નવેમ્બરથી ભાડે રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. ગોડાઉનમાંથી મળેલો દારૂનો જથ્થો જગદીશ ઉર્ફે રાજુ બિશ્નોઇ અને શ્રવણ બિશ્નોઇનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઇંટોલાનના ઉરસખાને દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવ્યો હતો. પોલીસે કુલ 26.32 લાખનો મુદામાલ કબજે કરી ફરાર આરોપીઓની ધરપકડ કરી છે.