Connect Gujarat
ગુજરાત

વલસાડના અબ્રામાના સાગર પરિવારના 3 સભ્યોનો ભરૂચમાં સામુહિક આપઘાત

વલસાડના અબ્રામાના સાગર પરિવારના 3 સભ્યોનો ભરૂચમાં સામુહિક આપઘાત
X

વલસાડ જિલ્લાના અબ્રામામાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતાં સાગર પરિવારના ત્રણ સભ્યોએ ભરૂચમાં આવી સામુહિક આપઘાત કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતેથી ભાઇ અને બહેનના મૃતદેહ મળી આવ્યાં છે જયારે તેમની માતાના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. ઘાટના પગથિયા પાસેથી તેમની બેગમાંથી અંતિમ ચિઠ્ઠી મળી હતી જેમાં તેમણે રાજીખુશીથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતેથી સવારના સમયે નર્મદા સ્નાન માટે આવેલાં શ્રધ્ધાળુઓએ નદી કિનારે એક પુરૂષ અને સ્ત્રીનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ઘાટના પગથિયા પરથી એક બેગ મળી આવી હતી. જેની તલાશી લેતાં તેમાંથી ત્રણ આધારકાર્ડ અને એક સ્યુસાઇડ નોટ મળી હતી. મૃતકની ઓળખ વલસાડ જિલ્લાના અબ્રામાની સુંદરવન સોસાયટીમાં રહેતા 41 વર્ષીય મૌસમી દોલતરાય સાગર અને 25 વર્ષીય રામકુમાર દોલતરાય સાગર તરીકે થઇ હતી. નદી કિનારે અન્ય ચંપલની એક અન્ય જોડી પણ મળી હતી. જે મૃતક ભાઇ- બહેનની માતા 59 વર્ષીય રંજનબેન સાગરની હોવાનું મનાઇ રહયું છે. સ્યુસાઇડ નોટમાં પરિવારના ત્રણેય સભ્યોએ રાજીખુશીથી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. સાગર પરિવારના ત્રણેય સભ્યોએ કઇ રીતે આપઘાત કર્યો તે હજી સુધી સ્પષ્ટ થઇ શકયું નથી. મૃતકોની અંતિમ ચિઠ્ઠીને ધ્યાને લેવામાં આવે તો તેમણે તેમના આત્માને મુકત કરવાની વિનંતી કરી છે. આમ સામુહિક આપઘાતના આ કિસ્સામાં અંધશ્રધ્ધા જવાબદાર હોવાની શકયતા હાલના તબકકે નકારી શકાય તેમ નથી. પરિવારના ત્રણેય સભ્યોએ નીલકંઠેશ્વર ઘાટ ખાતે પહેલા આપઘાત કર્યો હોય અને નદીના વહેણમાં માતાનો મૃતદેહ તણાઇ ગયો હોવાની સંભાવના પણ રહેલી છે. મૃતક ભાઇ અને બહેનના શરીરનું વજન વધારે હોવાથી મૃતદેહ કિનારે જ રહી ગયાં હોવાની શકયતા છે. જો કે પોલીસ હજી તપાસ ચલાવી રહી છે. બીજી તરફ અબ્રામા ખાતે સુંદરવન સોસાયટીમાં તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે, સાગર પરિવારના સભ્યો સોસાયટીમાં કોઇની સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખતા ન હતાં અને મોટાભાગનો સમય ઘરમાં જ વીતાવતા હતાં.

Next Story