/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/29150912/78496432_2849187791800789_3073907724380012544_o.jpg)
ભાવેણાનાએ સપૂતને ગાંધીજી પણ ‘બાપા’ કહી ને સંબોધતા
ભાવનગર ખાતે ૨૯ નવેમ્બર ૧૮૬૯ ના રોજ જન્મેલા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એ ઠક્કરબાપાના
નામથી જાણીતા છે. તેઓ એક એવા સામાજિક કાર્યકર હતા કે જેમણે દેશના આદિવાસી તેમજ
દલિત લોકોના ઉત્થાન માટે પોતાનુ સમસ્ત જીવન સમર્પિત કરી દીધુ હતુ.
સને ૧૯૧૪ માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના
તેઓ સભ્ય બન્યા હતા અને પછી સને ૧૯૨૨માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. પછી
થી મહાત્મા ગાંધી દ્વારા સને ૧૯૩૨ માં સ્થાપિત હરિજન સેવક સંઘના મહામંત્રી બન્યા.
તા. ૨૪ ઓક્ટોબર ૧૯૪૮ ના રોજ ભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના તેમની પહેલ પર
કરવામાં આવી હતી. સમાજ સેવાના તેમનાં ઉત્કૃષ્ઠ કાર્યો બદલ મહાત્મા ગાંધીજી પણ તેમને 'બાપા' કહીને સંબોધતા.
ઠક્કરબાપા આદિજાતિ અને દલિતોના ઉત્થાનના તેમના ધ્યેયને માટે આખો દેશ ખૂંદી
વળ્યા હતા. આસામ, ગ્રામીણ
બંગાળ, ઓરિસ્સાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, ગુજરાતના ભીલ પટ્ટાઓ અને સૌરાષ્ટ્રના હરિજન વિસ્તારો, મહારાષ્ટ્રના મહાર વિસ્તારો, મદ્રાસમાં
અસ્પૃશ્ય વિસ્તારો, છોટા
નાગપુરના ડુંગરાળ વિસ્તાર, થરપારકરનું
રણ, હિમાલયની તળેટી, ત્રાવણકોરના
દરિયાકાંઠાના વિસ્તારોની જંગલોની મુલાકાત તેમણે આ હેતુ માટે લીધી હતી. ઠક્કરબાપાએ
તેમના જીવનના ૩૫ વર્ષ આદિજાતિ અને દલિતોની સેવામાં વિતાવ્યા હતા.
ઠક્કરબાપાના પરિવારના સભ્યો જેમા ઠક્કરબાપાના વડિલ બંધુ પરમાનંદ ઠક્કરના પૌત્ર
સિદ્ધાર્થ ઠક્કર તથા સહદેવ ઠક્કર, ઠક્કરબાપાના
સગા ભત્રીજા અનંતરાયના પૌત્રી ડો.નીપા ઠક્કર વગેરે સભ્યો આજે પણ ભાવનગર ખાતે રહે
છે. ઉલ્લેખનિય છે કે ઠક્કરબાપાએ તા.૨૦ જાન્યુઆરી ૧૯૫૧ ના રોજ ભાવનગરની ભૂમી પર જ
પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
આવા ઠક્કરબાપાની ૧૫૦ મી જન્મજયંતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે તા.૨૯ નવેમ્બરે ધામધૂમથી ઉજવાઇ હતી અને ભાવનગરના પનોતા પુત્રને ભીલ સેવા મંડળ ગુર્જર ભારતી સંસ્થા તથા બહોળી સંખ્યામા દલિત તથા આદિવાસી સમુદાય દ્વારા ભાવાંજલિ અર્પણ કરાઇ હતી.