ઇઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. ઇઝરાયલી સેના ગાઝામાં ભારે બોમ્બમારો કરી રહી છે.
સોમવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં 52 લોકો માર્યા ગયા છે, મૃતકોમાં 31 લોકો આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળામાં આશ્રય લઈ રહ્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ આ હુમલા અંગે માહિતી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે લોકો સૂતા હતા, જેના કારણે તેમના સામાનમાં આગ લાગી હતી. ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેણે શાળામાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવતા આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. સ્થાનિક આરોગ્ય મંત્રાલયની કટોકટી સેવાના વડા ફહમી અવદે જણાવ્યું હતું કે ઉત્તર ગાઝામાં શાળા પર થયેલા હુમલામાં 55 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
આ દરમિયાન શિફા હોસ્પિટલે જણાવ્યું હતું કે સોમવારે એક ઘર પર થયેલા હુમલામાં પાંચ મહિલાઓ અને બે બાળકો સહિત એક જ પરિવારના 15 લોકો માર્યા ગયા હતા. અહીં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે હમાસે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ યુદ્ધ શરૂ થયું હતું. આ હુમલામાં આતંકવાદીઓએ લગભગ 1,200 નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી, ઇઝરાયલે વળતો હુમલો શરૂ કર્યો છે જે આજે પણ ચાલુ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં 52,000 થી વધુ લોકો માર્યા ગયા છે. ઘાયલોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે.