Connect Gujarat
દુનિયા

સિંગાપૂર: કોરોના વેક્સીન લીધા બાદ 16 વર્ષના કિશોરને આવ્યો હાર્ટ એટેક, સરકાર આપશે 1.5 કરોડ રૂપિયા

સિંગાપૂર: કોરોના વેક્સીન લીધા બાદ 16 વર્ષના કિશોરને આવ્યો હાર્ટ એટેક, સરકાર આપશે 1.5 કરોડ રૂપિયા
X

કોરોનાએ સમગ્ર વિશ્વમાં છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે. જેને લઈને સમગ્ર વિશ્વમાં કોરોના રસીકરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સિંગાપોરમાં બનેલી એક ઘટના દરેકનું ધ્યાન ખેંચી રહી છે. સિંગાપોરમાં એક 16 વર્ષના છોકરાને કોરોના રસીનો ડોઝ લીધા બાદ હાર્ટ એટેક આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કિશોરને ફાઈઝર રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે, રસી લીધાના 6 દિવસ બાદ જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેણે સિંગાપોર સરકાર પાસે વળતરની માંગ કરી હતી. સરકારે વિચારણા કર્યા બાદ તેને વળતર આપવાની જાહેરાત કરી હતી. હાલ છોકરાની હાલત સામાન્ય છે. ત્યારે આ ઘટનાએ તે છોકરાને અચાનક કરોડપતિ બનાવી દીધો છે. આ અંગે સિંગાપોર સરકારે જણાવ્યું કે 16 વર્ષના છોકરાને 2 લાખ 25 હજાર ડોલર એટલે કે લગભગ 1.5 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સુવિધા સિંગાપોર વેક્સીન ઇન્જરી ફાઈનાન્શિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામહેઠળ આપવામાં આવશે.

તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે રસી લીધા પછી યુવાકને માયોકાર્ડિટિસની સમસ્યા થઇ હતી, જેના કારણે તેને આ હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે કોરોના રસીથી માયોકાર્ડિટિસ થવાની સંભાવના છે. એવી પણ આશંકા છે કે વધારે પડતું કેફીનનું સેવન અને ભારે વજન ઉઠાવવાના કારણે તેનાથી હૃદય પર દબાણ આવી શકે છે. હાલ કિશોર હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયતમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. હેલ્થ સાયન્સ ઓથોરિટીએ ફાર્માકોવિજિલન્સ મોનિટરિંગના આધારે કહ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ Myocarditis અથવા Pericarditis થઇ શકે છે.

જોકે, સ્થાનિક લોકોમાં તે ભાગ્યે જ જોવા મળે છે. મહત્વનું છે કે, સિંગાપોરમાં 1 લાખ ડોઝ પર માત્ર 0.48 લોકો આ સમસ્યાથી પીડાય છે. ઓથોરિટીએ કહ્યું કે કિશોરો અને યુવાનોએ રસી લીધા બાદ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી શરીરને આરામ આપવો જોઈએ. વેક્સીન લીધા બાદ વ્યક્તિએ એક અઠવાડિયા સુધી જિમ અથવા રમતગમતથી દૂર રહેવું જોઈએ.

Next Story