/connect-gujarat/media/post_banners/e10878184290ba090f5d752292ea98481181018f353dde1592c0d1ec5e29c7b0.webp)
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 1 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હજારો પરિવાર વેરવિખેર થયા છે. યૂક્રેનને બરબાદ કરવા અને યુદ્ધ માટે દુનિયામાં મોટા ભાગના લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જવાબદાર માની રહ્યા છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બાળકોના અધિકારોના કેસમાં વિશ્વ અદાલતે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ કહ્યું કે, કોર્ટે યુક્રેનિયન બાળકોના ગેરકાયદે દેશનિકાલના સંબંધમાં ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. રશિયાના બાળ અધિકાર કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે પણ આવા જ આરોપમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રશિયા સરકાર હંમેશા આ આરોપોને નકારી રહી છે. પરંતુ તેમણે ધરપકડ વોરંટ પર તરત જ પ્રતિક્રિયા આપી ન હતી. મળતી માહિતી મુજબ, કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું છે.