Connect Gujarat
Featured

ઝાલોદ : કારઠ ગામને નવી દિશા આપવા યુવાન બન્યો સરપંચ, વાંચો સરપંચ બનતા પેહલા ક્યાં કરતાં હતા નોકરી

ઝાલોદ : કારઠ ગામને નવી દિશા આપવા યુવાન બન્યો સરપંચ, વાંચો સરપંચ બનતા પેહલા ક્યાં કરતાં હતા નોકરી
X

ઝાલોદ તાલુકાના કારઠ ગામનું નેતૃત્વ કરતા હર્ષદભાઇ નાયકે રાજ્ય સરકારની યોજનાઓનો ઝડપથી અમલ કરાવી ગામના લોકોની સુવિધામાં વૃદ્ધી કરી ગ્રામીણ કક્ષાએ જરૂરી ભૌતિક સુવિધાઓ ઉભી કરવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રઢ સંકલ્પ અને ગ્રામ્ય કક્ષાએ સબળ નેતૃત્વના પરિણામે વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ ઝાલોદ તાલુકાનું કારઠ ગામ છે. બેંકની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને કારઠ ગામના વિકાસને નવી દિશા આપી છે.

ઝાલોદ તાલુકામાં લીમડી નજીક આવેલા કારઠ ગામમાં પ્રવેશીએ એટલે તુરંત તમને ગામમાં થયેલા વિકાસ કામો ઉડીને આંખે વળગે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વચ્છ ભારત મુહિમનું પ્રતિબિંબ આ ગામમાં ઝીલાય છે. ગામમાં સવારના સમયે ઘરેઘરેથી કચરાનું એકત્રીકરણ થતું જોવા મળે છે. કારઠ ગામના ૭૫ ટકા વિસ્તારને આરસીસી રસ્તાથી આવરી લેવામાં આવ્યા છે. ગામમાં રસ્તા સિમેન્ટના બનતાના કારણે ગ્રામજનોને સહુલિયત ઉભી થઇ છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પણ ગામમા ગંદકી જોવા મળતી નથી.

ગામમાં પહેલા પાણી વિતરણમાં સમસ્યાઓ હતી. ગામના કેટલાક ઘરોને અપૂરતા ફોર્સથી પાણી મળતું હતું. તે સમસ્યાને ધ્યાને લઇ પાણી વિતરણની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. ડિસ્ટ્રીબ્યુશન વાલ્વનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. હવે માત્ર એક જ જગ્યાએથી પાણી વિતરણનું સંચાલન કરવામાં આવે છે. જેતે વિસ્તારનો વાલ્વ ખોલો એટલે પીવા માટે શુદ્ધ પાણી ઘર સુધી પહોંચી જાય છે.

પંચાયતોના વિકેન્દ્રીકરણ બાદ નવેક માસ પૂર્વે સરપંચ બનેલા હર્ષદભાઇ નાયકે નેતૃત્વ સંભાળતાની સાથે ગામના વિકાસને નવી દિશા આપી છે. તેમની વાત પણ રસપ્રદ છે. હર્ષદભાઇ પહેલા બેંકમાં નોકરી કરતા હતા. સાથે, ટેન્ટનો કારોબાર કરતા હતા. પણ, સરપંચ તરીકે ગામનો વિકાસ કરવાની તેમની પ્રબળ નેમને કારણે સહકારી બેંકની નોકરી છોડી દીધી.

સરપંચ બનતાની સાથે જ હર્ષદભાઇએ ગામના યુવાનોને ધ્યાને રાખીને ગામના રમતગમતના મેદાનનો વિકાસ કરવાનું નક્કી કર્યું. ગામના પાદરમાં સરસ મજાનું મેદાન બનાવ્યું છે. આ મેદાનમાં રજાના દિવસોમાં રમતગમતનો મેળાવડો જામે છે. ક્રિકેટની મેચો જામે છે. એ સિવાયની અન્ય રમતો માટે પણ યુવાનો ઉત્સાહ દાખવે છે. આના પાછળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાન પરિબળ સમાન છે.

આટલું જ નહીં, ગામની શાળાને હર્ષદભાઇએ પોતાના ખર્ચે રંગરોગાન કરાવી ઇમારતને સુંદરતા બક્ષી છે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ગામના બાળકોને ઉત્તમ વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે તેઓ સતત સક્રિય છે. આંગણવાડીના બાળકો માટે પણ નવું બિલ્ડિંગ બનાવવા માટે ગ્રામ પંચાયતનું આયોજન છે.

રમતગમતના મેદાન પાસે જ આવેલા સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેની પાસે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે. સ્મશાનને અડીને સ્નાનઘાટ બનાવવામાં આવ્યો છે. હાલમાં ત્યાં ઉપવન બનાવવાની કામગીરી શરૂ છે. ફળફળાદી સહિતના રોપા વાવવામાં આવ્યા છે. માત્ર વાવીને જવાબદારી પૂર્ણ ન કરી દેતા ત્યાં ફેન્સિંગ કરવામાં આવ્યું છે. રોપાને પાણી માટે ઇરિગેશનની સુવિધા આપવામાં આવી છે.

ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગામના યુવાનો પણ હર્ષદભાઇ સાથે ખંભેથી ખંભા મિલાવી કામ કરે છે. કોઇને સરકારી સહાય માટે કે સુખદુઃખના પ્રસંગે હર્ષદભાઇ તેમની સાથે ઉભા રહે છે.

હર્ષદભાઇ નાયક કહે છે નેતૃત્વ સંભાળ્યાના નવ માસમાં ગામનું બાળક ગામમાં જ શિક્ષણ મેળવે એ હેતુથી પ્રાથમિક શાળાને મોડેલ બનાવવાના લક્ષ્ય સાથે કામગીરી કરાઇ રહી છે, સ્મશાન ગૃહ અને શાળાના અદ્યતન પ્રવેશ દ્વારો અને ગાર્ડનિંગ પલાનિંગ થકી જ વિકાસ કામનો અહેસાસ થાય, કોઈ પણ કામનું આયોજન આગામી ૩૦થી ૪૦ વર્ષની જરૂરિયાતને ધ્યાને રાખી કરવામાં આવ્યું છે. ગામ માટે ખાસ વિઝન તૈયાર કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં કરવાના મહત્વ પૂર્ણ કામો, ગામની મૂળભૂત જરૂરિયાતો પૈકી બાકી રહેલ આખા ગામની ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપ લાઇન મુખ્યમંત્રીશ્રીની નલ સે જળ યોજના અંતર્ગત પૂર્ણ કરવાનું લક્ષ્ય, બાકી રહેલા રસ્તાઓ, બાકી રહેલા સ્ટ્રીટ લાઈટોને આવરી લેવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કરવાના કામોનું લક્ષ્ય જોઇએ તો સુંદરતામાં વધારો કરવા માટે ગામનો સાંસ્કૃતિક અતિસુંદર પ્રવેશ દ્વાર, મંદિર, સીસીટીવી કેમેરાઓ, પંચાયતના તમામ પ્રકારની હિસાબ કિતાબ કોમ્પ્યુટરાઇઝ કરી લાઈટ બિલ ફોન બિલ વિગેરે જેવી સુવિધાઓ, પીવાના પાણી નો સ્ત્રોત વધારવા માટે કૂવો અને મૂળભૂત જરીરીયાત પૈકીના ગટર, રસ્તા, વિગેરે પેન્ડિંગ કામોને આગળ વધારવાના કામનું આયોજન છે

Next Story