આમાખાડી સહિત અન્ય ખાડીમાં વહી રહેલું ગંદુ પાણી નર્મદા નદી મારફતે દરિયામાં ભળે છે
ભરૂચ જિલ્લામાં વરસાદના બે દિવસ પછી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વિવિધ કલરના ગંદા પાણી વહેતા નજરે પડે છે. જે આમલા ખાડી સહિતની વિવિધ ખાડીઓ પ્રદૂષિત બની રહી છે. તો તંત્ર દ્વારા એક બીજા પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે.
ચોમાસાના પ્રથમ વરસાદના બે દિવસ પછી પણ અંકેલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી વિવિધ કલરનું ગંદુ પાણી નિકળવાનું ચાલું રહેતા આમલખાડીમાં વહી રહ્યું છે. અમરાવતી ખાડી અને છાપરા ખાડી પણ આ ગંદા પાણીથી પ્રદૂષિત થઈ રહી છે. આ પાણી નર્મદાનદીમાં ભળતાં દરિયા સુધી પોહચ્યાં છે. આ જળ પ્રદુષણથી ભૂગર્ભ જળ પણ ખરાબ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આવા પાણીથી પર્યાવરણને ગંભીર નુકશાન થઈ રહ્યું છે.
આ બાબતની જાણકારી તંત્રને હોવા છતાં આંખ આડા કાન કરી કોઈ પગલાં લેવામાં આવતા નથી. વરસાદનો લાભ ખેડૂતો કરતા ઉદ્યોગ પતિઓ વધારે લઈ રહ્યા હોય તેવું આ દ્રશ્ય ઉપરથી કહી શકાય તેમ છે. અલગ અલગ ખાડીમાં અલગ અલગ કલરનું પાણી વહી રહ્યું છે. આ બાબતે એક જાગૃત નાગરિકે ગુજરાત પોલૂશન કન્ટ્રોલ બોર્ડના વિભાગીય અધિકારીને ફરિયાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ બાબત અમારી જાણકારીમાં છે. અમે વિવિધ સ્થળેથી સેમ્પલ પણ લીધા છે. તેમાં તપાસ બાદ કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરીશું.