અંકલેશ્વરમાં સોનીને લૂંટવાના પ્રયાસમાં ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસ કરાવશે ઓળખ પરેડ

New Update
અંકલેશ્વરમાં સોનીને લૂંટવાના પ્રયાસમાં ત્રણ શખ્સો ઝડપાયા, પોલીસ કરાવશે ઓળખ પરેડ

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીના નાકે ગત તારીખ 4 મેનાં રોજ રાત્રિના સમયે સોની પરિવારને લૂંટવાનો ત્રણથી ચાર શખ્સો દ્વારા પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની નડિયાદ પોલીસ પાસેથી કસ્ટડી મેળવી છે. આરોપીઓની પોલીસે ઓળખ પરેડ કરવાની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા અને શહેરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સુશીલકુમાર જવાહર સોની અને તેમનાં પત્ની તરૂણાબહેન ગત તારીખ 4 મેનાં રોજ સાંજે પોતાનું જ્વેલર્સ બંધ કરી દિવસ દરમિયાનની કમાણી અને ઘરેણા સાથે ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન તેમની પાસે રહેલા મેસ્ટ્રો સ્કૂટરની ડીકીમાં ઘરેણા અને રોકડ રકમ મૂકી હતી. તેઓ સોસાયટીના નાકે પહોંચતાં જ અંધારાનો લાભ લઈને કેટલાક અજાણ્યા શખ્સોએ પતિ-પત્નીને આંતરીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તરૂણાબહેનનાં આંખમાં મરચાની ભૂકી નાંખી દેતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા. જ્યારે તસ્કરોનો સામનો કરવા જતાં સુશીલકુમારને જમણા હાથનાં ભાગે કોઈ ધોરદાર હથિયાર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં બન્ને એ બુમાબુમ કરતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.

તસ્કરોએ સુશીલકુમાર અને તેમની પત્નીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. સાથોસાથ મેસ્ટ્રો સ્કૂટર લઈને ફરાર થવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં સફળતા મળી નહોતી આખરે તમામ શખ્સો ખાલી હાથે જ ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયી હતી. દરમિયાન નડિયાદમાં એક ગુનાના કામે ટાઉન પોલીસના હાથે ઝડપાયે શખ્સોએ આ ગુનાની કબુલાત કરી હતી. જેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે જયપાલ ઉર્ફે જયો કાનાભાઈ ઢીલા અને કલ્પેશ ઉર્ફે કયો નાથાભાઈ કોતર બન્ને રહે ભાવનગરના તથા દિનેશ ઉર્ફે છોટુ રામખિલ સુરતનો નડિયાપ પોલીસ પાસેથી કબજો મેળવી અંકલેશ્વર ખાતે લવાયા હતા. આ ત્રણેય શખ્સોની પોલીસે ઓળખ પરેડ કરવાની કામગીરી હાથ ધરી છે.

Latest Stories