આ 9 મહિનાના માસુમને મળી 'જશોદા', અકસ્માતમાં નોંધારૂં બન્યું હતું બાળક

New Update
આ 9 મહિનાના માસુમને મળી 'જશોદા', અકસ્માતમાં નોંધારૂં બન્યું હતું બાળક

સુરતમાં સર્જાયેલા હીટ એન્ડ રનમાં 9 માસના બાળકે માતા-પિતા અને બહેનને ગુમાવ્યા

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ બ્રિજ ઉપર રવિવારે સર્જાયેલા હીટ એન્ડ રનનાં બનાવમાં એક 9 માસના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. તે બાળકને મળી છે આધુનિક 'જશોદા'. બાળકે અકસ્માતમાં તેનાં માતા-પિતા અને મોટી બહેનને ગુમાવી દેતાં નોંધારૂં બન્યું હતું. જશોદાના રૂપમાં આવેલી મહિલાએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. જેને દવાખાને લઈ ગયેલી લક્ષ્મીએ દૂધ પીવડાવી માતાની ફરજ અદા કરી હતી. જોકે બાદમાં મૃતકોનાં પરિવારજનોને આ બાળક સોંપી દેવામાં આવ્યું હતું.

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં રાત્રિનાં સમયે રોંગ સાઈડમાં આવેલા દિવ્યેશ અગ્રવાલ નામનાં શખ્સે એક પછી એક એમ ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. ભાટેના વિસ્તારમાં રહેતા અને બાઈક લઈને અહીંથી પસાર થઈ રહેલા રોહિત પાટીલ અને પત્ની લક્ષ્મી પાટીલની બાઈકને કાર ચાલકે સૌથી પહેલાં અડફેટે લીધા હતા. જે બાદ આ પતિ-પત્ની બાઈક લઈને સાઈડ ઉપર ઊભા રહી ગયા હતા. દરમિયાન કાર ચાલકે આગળ જઈને વધુ ત્રણ બાઈકને ટક્કર મારતાં એક જ પરિવારનાં સાવરમલ શર્મા, ભવરી શર્મા અને તેમની દીકરી રૂખનું મોત નિપજ્યું હતું.

અકસ્માત થતાંની સાથે જ ભવરી શર્માના હાથમાં રહેલી 9 વર્ષનું બાળક ઉછળીને સીધું જ લક્ષ્મીબહેન પાટીલનાં પગ પાસે આવીને પડ્યું હતું. જેમણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર તરત જ નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું હતું. બાદમાં તબીબોએ તપાસ કરતાં બાળકને કંઈપણ ઈજા પહોંચી નથી તેવું કહેતાં તેમણે પણ હાશકારો અનુભવ્યો હતો.

હવે વાત શરૂ થઈ એક માતૃત્વની. બાળકને લક્ષ્મીએ દૂધ પાઈને માતાની ફરજ અદા કરી હતી. બાળકે માતૃત્વનું છત્ર ગુમાવતાંની સાથે જ તેને ચમત્કારિક રીતે 'જશોદા'ના રૂપમાં લક્ષ્મી મળી ગઈ હતી. લક્ષ્મી પાટીલ અને રોહિત પાટીલ ડીંડોલી વિસ્તારમાં આવેલી ઓમનગર સોસાયટીમાં રહે છે. અને લક્ષ્મી ભાટેના વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકેની ફરજ અદા કરે છે.

Latest Stories