/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/surat-kamdar.jpg)
કેરોસીનના કારબાબા લઇ પાવર સ્ટેશન પર પહોંચી જતાં હોબાળો
નોકરીમાં પરત લેવા કોર્ટે બે-બે વખત હુકમ કર્યા છે
ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં ૩૦ વર્ષ પૂર્વે છુટા કરાયેલા ૫૧ જેટલા કામદારોને ફરજમાં પરત લેવા કોર્ટે હુકમ કર્યો હતો. પરંતુ ફરજમાં ન લેવાતા આજે થર્મલ સ્ટેશન બહાર આ ૫૧કામદારોએ આત્મવિલોપન કરવાની તૈયારી કરી હતી.
જેથી કલેકટરે મિટીંગ યોજી સત્તાધીશોને છુટા થયેલા કામદારોને કોન્ટ્રાકટના કામોમાં રોજગારી આપવા જણાવ્યું હતું. ઉકાઇ અસરગ્રસ્ત વિસ્તારમાં વસતા ૫૧ જેટલા ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના કામદારોને ૩૦ વર્ષ પહેલાં ફરજમાંથી છુટા કર્યા હતા. જે અંગે કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે આ કામદારોને ફરજમાં લેવા બે-બે વાર હુકમ કર્યો હતો. તેમ છતાં કામદારોને ફરજમાં લેવાયા ન હતા.
જે અંગે વારંવાર ધરણાં આંદોલનો પણ કરાયા હતા. દોડધામ કરી આર્થિક રીતે પાયમાલ થયેલા કામદારોએ ગુરુવારે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી અને કેરોસીનના કારબા લઇ ઉકાઇ થર્મલ સ્ટેશન ખાતે ભેગા થયા હતા. જેથી સફાળા જાગેલા કલેકટર એન.કે. ડામોરે વ્યારા પાનવાડી સેવા સદન ખાતે કામદારોને બોલાવી મીટીંગ યોજી હતી.
ઉકાઇ થર્મલ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યું હતું કે, ૬૦ વર્ષની આયુ વટાવી ચૂકેલા કામદારોને વળતર ચૂકવવામાં આવે તથા બાકીના કામદારોને થર્મલમાં કોન્ટ્રાકટ પર ચાલતા કામોમાં રોજગારી આપવામાં આવે તેમજ લુઘત્તમ વેતનધારા હેઠળ પણ પગાર ચૂકવવામાં આવે. જો કે સમગ્ર મામલે તાપી કલેકટરે કામદારોને રોજગારી અંગે આશ્વાસન આપતાં કામદારોએ આત્મવિલોપન કરવાનું માંડી વાળ્યું હતું.