રાજેશ હથિયારના ગુનામાં ઝડપાયા બાદ પોલીસ દ્વારા અડાલજ પાસે ખોરજ ગામમાં ઘરની તપાસ કરવામાં આવતાં ૧.૬૯ લાખનો ગાંજો મળ્યો
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાહીત પ્રવૃતિઓ ડામવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજી પોલીસની ટીમે અડાલજ પાસે ખોરજ ગામમાં મકાનમાંથી ૧.૬૯ લાખની કિંમતનો ૧૬.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડયો હતો.
મુળ બિહારના આ શખ્સની અમદાવાદ પોલીસ દ્વારા અટક કરવામાં આવી. ત્યારે તેની પુછપરછ બાદ પોલીસ દ્વારા તેના ઘરની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ ગાંજો મળી આવ્યો હતો. તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એકટના ગુનામાં રાજેશ જંગલીમહતો મલ્લા (રહે.ખોરજ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી સાબરમતી પોલીસ દ્વારા ગાંધીનગર એસઓજીને આ આરોપીના ઘરની તપાસ કરવા માટે રીપોર્ટ કરાયો હતો. જે અનુસંધાને એસઓજી પીઆઈ પરેશ સોલંકી અને સ્ટાફના માણસો દ્વારા રાજેશના ઘરે તપાસ કરવામાં આવી હતી.
પરંતુ તેના ઘરેથી કોઈ હથિયારો મળ્યા નહોતા પરંતુ એક પ્લાસ્ટીકના થેલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલની ટીમને બોલાવી તપાસ કરાવતાં આ ગાંજો જ હોવાનું ફલિત થયું હતું અને તપાસ કરતાં અલગ અલગ ડબ્બામાંથી કુલ ૧૬.૯૦૦ કિગ્રા જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત ૧.૬૯ લાખ જેટલી થાય છે.
તે સંદર્ભે રાજેશ મલ્લા સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ પણ કરવામાં આવશે તે આ ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યો હતો અને કોને કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.