જનતા રેડના નામે કાયદો હાથમાં લેનાર અલ્પેશ, જિજ્ઞેશ, હાર્દિક સામે નોંધાયો ગુનો

New Update
જનતા રેડના નામે કાયદો હાથમાં લેનાર અલ્પેશ, જિજ્ઞેશ, હાર્દિક સામે નોંધાયો ગુનો

ત્રણેય સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવો, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો

અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ ત્રણેયે ટોળા સાથે ધસી જઇને કાયદો હાથમાં લઈ ગાંધીનગર સેકટર-૨૭ એસપી ઓફિસ સામેનાં એક મકાનમાં રેડ પાડી હતી.

આ મામલે હવે ત્રણેય યુવાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવો, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં સોલા વિસ્તારમાં ૪ યુવકોને લઠ્ઠાની અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ત્રણેય યુવા નેતાઓ પીડિતોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

બાદમાં તેમણે પત્રકાર પરિષદ કરીને ગૃહમંત્રી પ્રદીપસિંહને અમદાવાદ અને ગુજરાતને દારૂમુક્ત કરવાનો પડકાર ફેંક્યો હતો. ત્રણેય નેતાઓએ એવું પણ કહ્યું હતું કે, બે દિવસ પછી તેઓ દારૂના અડ્ડાઓ અને દારૂ વેચતા લોકોને ત્યાં જનતા રેડ કરશે. ત્યાર બાદ આ ત્રણેયે કાયદો હાથમાં લીધો હતો. અને સાંજના સમયે ગાંધીનગર ખાતે સેક્ટર-૨૧માં એક મહિલાના ઘરે જનતા રેડ કરીને દેશી દારૂ પકડી પાડ્યો હતો.

આ મકાનમાંથી બે થેલીમાં ૪૦૦-૪૦૦ મીલીનું દારૂ જેવું લાગતુ પ્રવાહી મળી આવ્યાનો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો. બાદમાં અલ્પેશે મીડિયા સમક્ષ ગુજરાતમાં દારૂબંધી છતા વેચાણ ચાલતુ હોવા મુદ્દે તિખી પ્રતિક્રીયા આપી હતી.

બીજી તરફ જેનાં ઘરમાંથી કથિત દારૂ પકડાયો હતો તે પરિવારે જણાવ્યુ હતું કે, કોઇ અજાણ્યો યુવક અમારા ઘરની ઓસરીમાં કોથળી મુકવા આવ્યો હતો. અમે તેને કંઈક પુછીએ તે પહેલા તો તે નિકળી ગયો હતો અને તુરંત જ આ ટોળુ ધસી આવ્યુ હતુ.

આમ ત્રણેય યુવાઓ સામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરવો, ખોટા પુરાવા ઉભા કરવા અને ઉદ્ધતાઈથી વર્તને કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ત્રણેય યુવો નેતાઓ આજે સાંજે ૫ વાગે સામે ચાલીને ધરપકડ વહોરશે.

Latest Stories