જૂન મહિનામાં મારુતિ સુઝુકીનો કાર વેચાણમાં 36 ટકા ગ્રોથ વધ્યો

New Update
જૂન મહિનામાં મારુતિ સુઝુકીનો કાર વેચાણમાં 36 ટકા ગ્રોથ વધ્યો

ગત વર્ષની સરખામણીએ કંપનીએ જૂનમાં વેચી 1,44,981 કાર્સ, સ્વિફ્ટ-બલેનોની રહી માંગ

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જૂન મહિનામાં 36.3 ટકાના વધારા સાથે 1,44,981 કારો વેચી છે. જેની એક વર્ષ પહેલાં જૂન મહિના સાથે સરખામણી કરીએ તો કંપનીની 1,06,394 કાર વેચાઇ હતી. કંપનીના વેચાણમાં વધારો થવાનું મુખ્ય કારણ ઘરેલુ બજારમાં કંપનીની કારોને મળતી જોરદાર ડિમાન્ડ ગણાવવામાં આવી છે. જે ગયા વર્ષના જૂનની સરખામણીએ 45.5 ટકા વધારો દર્શાવે છે.

મારૂતિ સુઝુકી કંપનીએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, અલ્ટો અને વેગનઆર સહિત તેની મિની સેગમેન્ટની કારોનું વેચાણ 15.1 ટકા વધીને 29,381 યુનિટ સુધી પહોંચ્યું છે, જે જૂન 2017માં 25,524 યુનિટ પર હતું. વધુમાં જણાવ્યું છે કે, કોમ્પેક્ટ કારોનું વેચાણ 76.7 ટકાના જોરદાર વધારા સાથે 71,570 યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે જૂનમાં આ આંકડો 40,496 યુનિટ હતો. મારુતિની કોમ્પેક્ટ કારોમાં સ્વિફ્ટ, એસ્ટિલો, ડિઝાયર અને બલેનો છે. જોકે, કંપનીની મિડ સાઇઝ સેડાન સિયાઝના વેચાણમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેનું વેચાણ ઘટીને 1,579 યુનિટ થઇ ગયું છે. ગયા વર્ષે જૂનમાં સિયાઝનું 3,950 યુનિટ વેચાણ થયું હતું.

જૂન મહિનામાંમાં અર્ટિગા, એસ-ક્રોસ સહિત યુટિલિટી વ્હીકલ્સ અને કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝાનું વેચાણ 39.2 ટકા વધીને 19,321 યુનિટ સુધી પહોંચ્યું હતું. જયારે વર્ષ 2017માં આ મહિનામાં આ આંકડો 13,879 યુનિટ હતો. ઓમ્ની અને ઇકો વેન્સનું વેચાણ પણ 32.3 ટકા વધીને 12,185 યુનિટ સુધી પહોંચી ગયું છે જ્યારે ગયા વર્ષે જૂનમાં આ આંકડો 9,208 યુનિટ હતો.

Latest Stories