ચોમાસા બાદ રોપેક્સ સર્વિસ શરૂ થાય તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસમાં વાહનોની હેરાફેરી માટે સર્વિસનું રોપેક્સ દરિયાઇ માર્ગે તાઇવાનથી આવતા અટવાયું છે. જેથી ચોમાસા બાદ રોપેક્સ સર્વિસ શરૂ થાય તેવી સંભાવના વર્તાઇ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. બીજા ચરણમાં કાર્ગો સહિત વાહનો માટેની રોપેક્સ સર્વિસ માર્ચ માસથી ચાલુ થવાની વાતો થઇ હતી. પરંતુ ચોમાસાનો પ્રારંભ થવા છતાં હજુ તે ચાલુ થયેલી નથી.
બીજીબાજુ દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસ થોડા સમય માટે સ્પાન બેસાડવાની કામગીરી માટે એકાદ મહિનો બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ થઇ હતી. પરંતુ પુનઃ ૧૦મી જૂનથી રો રો ફેરી સર્વિસ ચોમાસાના કારણે બંધ કરવામાં આવી છે. જ્યારે રોપેક્સ એટલે કે ૭૦થી ૮૦ નાના મોટા વાહનો જેમ કે કાર ટ્રક સહિતના વાહનો અને ૧૦૦૦ જેટલા મુસાફરોનું વહન કરી શકે તેવી મોટી શિપ હજુ સુધી આવી નથી. ચોમાસુ સક્રિય છે અને તાઇવાનથી રવાના થયેલું રોપેક્સ પ્રતિ કલાક નવેક કલાકની ગતિથી આવી રહ્યુ છે.
સપ્ટેમ્બર કે ઓકટોબર સુધી તે આવી પહોંચે તેવી સંભાવના છે. જેથી કદાચ દિવાળી બાદ રોપેક્સ ફેરી સર્વિસ ચાલુ થઇ જાય તેવા ઉજળા સંજોગો છે. ઉપરાંચ ચોમાસાના કારણે બંધ થયેલી દહેજ ઘોઘા ફેરી સર્વિસ પણ પૂર્વવત થઇ જશેનું જાણવા મળી રહ્યું છે.