ભરૂચ:ઝઘડિયાના મચામડી ગામની સીમમાં ખેતરનો સેઢો તોડી નાખવા બાબતે થયેલી તકરારમાં એક વ્યક્તિની હત્યા

New Update
ભરૂચ:ઝઘડિયાના મચામડી ગામની સીમમાં ખેતરનો સેઢો તોડી નાખવા બાબતે થયેલી તકરારમાં એક વ્યક્તિની હત્યા

મચામડી ગામની સીમમાં ખેતરનો સેઢો તોડી નાખવા બાબતે થયેલી તકરારમાં એક ઇસમનું ઢીમ ઢાળી દેવાતા ચકચાર મચી જવા પામી હતી. મચામડી ગામની સીમમાં રૂપસિંગ વલુ સિંગ વસાવાની જંગલ ખાતાની જમીન આવેલી છે. તેઓની જમીનની બાજુમાં દિનેશ વસાવા તેમજ જીતેન્દ્ર વસાવાની પણ જમીન આવેલી છે.

વલુસિંગ તેમજ દિનેશ અને જીતેન્દ્રની જમીનનો એક જ શેઢો હોય દીનેશે બે માસ અગાઉ વલુસિંગના ખેતરની વાડને સળગાવી નાંખી હતી અને જીતેન્દ્રએ ખેતરના સેઢાની પાળ તોડી નાંખી હતી તે સમયે ફરિયાદી રાજેશ વલુસિંગ વસાવાના પિતાએ નુકસાન બાબતે દિનેશ તથા જીતેન્દ્રને કહેતા અને વલુ સિંગે જંગલ ખાતામાં જમીનની માપણી કરાવતા વલુ સિંગની જમીનમાં દિનેશ તથા જીતેન્દ્ર વાવેતર કરતા હોવાનું બહાર આવ્યું હતુ.

તેમાં જે જમીન નીકળી હતી જેની અદાવત રાખી આરોપીઓએ લાકડા વડે વલુ સિંગ પર હુમલો કરતા વલુ સિંગને માથાના ભાગે ઇજાઓ થતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા નેત્રંગ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે સંદર્ભે રાજેશ સિંગ વસાવાએ ગોવિંદ વસાવા, જીતેન્દ્ર વસાવા, મુકેશ વસાવા, ભરત વસાવા, મિનેશ વસાવા, દિનેશ વસાવા, અજય વસાવા તેમજ હિતેશ વસાવા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories