ભરૂચના ટંકારીયા રૂટ પર ST બસોની સંખ્યા વધારવા માંગ

New Update
ભરૂચના ટંકારીયા રૂટ પર ST બસોની સંખ્યા વધારવા માંગ

વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસની આગેવાનીમાં આવેદન

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના વિદ્યાર્થીઓને બસની અસુવિધા હોવાથી હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે ગામના આગેવાનોએ યુથ કોંગ્રેસની આગેવાનીમાં આજરોજ એસ.ટી. ડેપોના રિજનલ મેનેજરને આવેદન આપ્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકુજી, વાગરા યુથ કોંગ્રેસના મહામંત્રી અફઝલ ગોદીવાલા તથા સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં ટંકારીયા ગામના લોકોએ ભરૂચ એસ.ટી. વિભાગના રિઝનલ મેનેજરને આવેદન આપી ટંકારીયા રૂટ પર માત્ર બે જ બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે બસોની સંખ્યા વધારવાની માંગ ઉઠાવી ઉગ્ર રજૂઆતો કરી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ ટંકારીયા હાઈસ્કૂલમાં અંદાજે ૧૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરખેત, હિંગલ્લા, પગુથણ, રહાડપોર, નંદેલાવ, તથા સિતપોણ ગામથી અભ્યાસ માટે આવે છે. પરંતુ એસ.ટી. બસોની સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને અપ ડાઉનમાં તકલીફ ઉઠાવવી પડે છે.ઘણી વખત તેમને રૂપિયા ખર્ચી ખાનગી વાહનોમાં સ્કૂલ આવવું પડે છે. હાલ આ રૂટ પર માત્ર બે જ બસ દોડે છે. જે વધારીને ચાર કરવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

  • નહીતો ડેપો મેનેજરની ઓફિસને તાળાબંધી કરીશું : અબ્દુલ કામઠી : સામાજિક આગેવાન

બે દિવસ પહેલા જ ટંકારીયા રૂટ પર એક બસમાં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓને ખીચોખીચ ભર્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. નિયમ વિરુદ્ધ વધારે મુસાફરો ભરવામાં આવે છે તેના સ્થાને બસોની સંખ્યા વધારવામાં આવે તો વિદ્યાર્થીઓ અને મુસાફરોને પણ રાહત થાય. હાઈસ્કૂલના આચાર્ય એ ૧૩ વખત ડેપોમાં અરજીઓ આપવા છતાં બસની સંખ્યામાં વધારો કરાતો નથી. આવેદન આપ્યા પછી પણ જો બસોની સંખ્યામાં વધારો નહીં કરાય તો ના છૂટકે અમારે ડેપો મેનેજર ની ઓફિસને તાળા મારવા પડશે.

  • અગાઉ બે વિદ્યાર્થીઓ ચાલુ બસમાંથી રોડ પર પટકાયા હતા.

બસો ઓછી હોવાના કારણે બસમાં મુસાફરોનો ધસારો રહે છે. ઘણી વખત વિદ્યાર્થીઓને દરવાજામાં લટકીને જવું પડે છે. અગાઉ આજ રીતે ખીચોખીચ મુસાફરો ભરીને જતી બસમાંથી પારખેત ગામના બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થીનો પગ ચગદાઈ જતા કાપવો પડ્યો હતો.

  • સવારે આ રૂટ પર છ બસો ચાલે છે: એન.એફ. સિંધી : ડેપો મેનેજર, ભરૂચ.

ટંકારીયા ગામના લોકોની રજૂઆતના પગલે આ રૂટ પર બસોની સંખ્યામાં પહેલેથી જ વધારો કરાયો છે. સવારે ૫:૩૦ કલાકે ભરૂચ- પાલેજ, ૬:૦૦ એ ભરૂચ-ટંકારીયા, ૬:૩૦ કલાકે પણ ભરૂચ- ટંકારીયા, ૬:૪૫ કલાકે ભરૂચ- વલણ વાયા ટંકારીયા, આ જ સમયે બીજી બસ ભરૂચ-ટંકારીયા-ઘોડી અને ૭:૦૦ કલાકે ભરૂચ- ટંકારીયા બસ જાય છે. આમ પૂરતી બસો હોવા છતાં વિદ્યાર્થીઓ એક જ બસમાં બેસે છે. આગળ પાછળની બસો ખાલી જાય છે.

Latest Stories