રાજકોટનાં આજીડેમ ચોકડી નજીકથી સોની વેપારીની લૂંટનાં ઇરાદે કરાઇ હત્યા

New Update
રાજકોટનાં આજીડેમ ચોકડી નજીકથી સોની વેપારીની લૂંટનાં ઇરાદે કરાઇ હત્યા
  • લૂંટ અને હત્યાને અંજામ આપનારા પિતા-પુત્ર પોલીસના સકંજામાં

રાજકોટનાં આજીડેમ ચોકડી નજીકથી સોની વેપારીની લૂંટનાં ઇરાદે હત્યા કરનાર પીતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ દેણાંમાં ડુબી ગયા હોવાથી સોની વેપારીની હત્યા કરી અઢી લાખનાં સોનીની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને આરોપીઓ પાસેથી ૫૭ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે આજીડેમ ચોકડી પાસે આવેલ ગૌ શાળા નજીકથી આઘેડની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક વસંત જિઝુવાડીયા હોવાનું અને સોની વેપારી હોવાનું સામે આવ્યું હતું. મૃતક વસંત જિઝુવાડીયાને ગળાનાં ભાગે ઇજાનાં નિશાન હોવાથી પોલીસને હત્યા હોવાની શંકા જતા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં તેને ગળાના ભાગે દોરી વડે ટુંપો આપી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ ટીમોને કામે લગાવી હતી.

જેમાં પોલીસે સોની બજારનાં સીસીટીવી ફુટેજ તપાસતા સોની વેપારી એક શખ્સ સાથે ચાલીને કારમાં બેસતો નજરે પડ્યો હતો. પોલીસે કારનાં નંબર મેળવી તપાસ કરતા કારનાં માલીક શ્રી જ્વેલર્સનાં માલીક ભરત લાઠીગરા હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે પોલીસ ભરત લાઠીગરાની પુછપરછ કરતા સમગ્ર મામલા પરથી પડદો ઉચકાયો હતો અને પિતા પુત્રએ સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે બન્નેની ધરપકડ કરી સોનાનો ઢાળીયો સહિત રૂપિયા ૫૭ લાખ ૭૮ હજારનો મુદ્દામાલ કબજે કરી વઘુ તપાસ શરૂ કરી છે.

રાજકોટના જેસીપી દિપક ભટ્ટનાં કહેવા મુજબ, આરોપી ભરત લાઠીગરા અને તેનાં પુત્ર સુમિત લાઠીગરા મૃતક વસંત જિઝુવાડીયાને ઓળખતા હતા. અષાઢી બીજ હોવાથી સોની બજારમાં મોટા પ્રમાણમાં સોનાનું વેંચાણ થતુ હોવાથી મૃતક વસંતને મળવા બોલાવ્યો હતો. ત્યારે એક બીજાને ઓળખતા હોવાથી મૃતક વસંત જિઝુવાડીયાને આરોપી ભરત લાઠીગરા ચા પીવાનાં બહાને લઇ જઇને પોતાની કારમાં બેસાડે છે અને તેનાં મોં પર ઝેરી દવાનો સ્પ્રે મારી બેભાન કરી નાખે છે.

ત્યારબાદ તેનો પુત્ર સુમિત કાર હંકારે છે અને ભરત લાઠીગરા સોની વેપારીને ગળાનાં ભાગે દોરી વડે ટુંપો આપી હત્યા નીપજાવે છે. ત્યારબાદ પોતાની આ કરતુત છુપાવવા માટે આજીડેમ ચોકડી નજીક આવેલ કિશાન ગૌ શાળા નજીક અવાવરૂ જગ્યાએ લાશને ફેંકી અઢી કિલો સોનાનાં દાગીનાં ભરેલ બેગ લઇને ફરાર થઇ જાય છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, સોનાનાં દાગીનાં ઓગાળીને ઢાળીયો કર્યો હતો અને લેણદારોને આ સોનાનાં ઢાળીયા આપી પોતાનું કરજ ભરપાઇ કર્યું હતું.

સોની વેપારીની નિર્મમ હત્યામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી પિતા પુત્રને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે, પિતા પુત્ર પર દેણું વધી જતા તેને એક નિર્દોષ સેલ્સમેનને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આ નિર્દય પિતા પુત્ર પર પોલીસ કાયદાનો ગાળીયો વધુ મજબુત કરવા પૂરાવાઓ એકત્ર કરી રહી છે.

Latest Stories