Connect Gujarat
ગુજરાત

વાપીના IT ઇન્સ્પેક્ટર ૭૫ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

વાપીના IT ઇન્સ્પેક્ટર ૭૫ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
X

વાપી કોપરલી માર્ગ સ્થિત આશાધામ સ્કૂલની સામે આવેલા જવેલર્સના શોરૂમમાં થોડા દિવસ અગાઉ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન હિસાબમાં ફરિયાદીએ વેચેલા દાગીના બાબતે આઇટીએ નોટિસ ઈસ્યુ કરી હતી. જે સંદર્ભે વાપી આઇટી ઇન્સ્પેક્ટરે કેસની પતાવટ માટે ફરિયાદી પાસેથી રૂપિયા 75 હજારની લાંચ માગી હતી. આ સંદર્ભે મંગળવારે ચાલા સ્થિત આઇટીની ઓફિસમાં નવસારી એસીબીની ટીમ ત્રાટકીને આઇટી ઇન્સ્પેક્ટરને 75 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

ફરિયાદીએ પોતાના વડીલો પાર્જીત દાગીના થોડા સમય અગાઉ વાપીના કોપરલી માર્ગ સ્થિત વીરચંદ ગોવનજી જવેલર્સમાં વેચ્યા હતા. દાગીના વેચ્યાના થોડા સમય બાદ શાહ વીરચંદ ગોવનજી જવેલર્સના શોરૂમ ઉપર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડમાં ફરિયાદીના મોટા ટ્રાન્ઝેકશન બહાર આવતા તેમને વાપી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસના સંદર્ભે ફરિયાદીને આઇટી ઓફિસમાં મળવા માટે જણાવવામાં આવ્યું હતું.

વાપીના ચલા સ્થિત ફોરચ્યુન સ્કેવરના નવમા માળે આવેલી ઈન્કમ ટેક્સની ઓફિસમાં જ્યારે ફરિયાદી ગયા હતા ત્યારે જોઇન્ટ ડાયરેકટર ઓફ ઈન્કમટેકસ અને ઇન્સ્પેક્ટર જિતેન્દ્રકુમાર કલ્લુરામની મુલાકાત થઇ હતી. આઇટીના અધિકારી જિતેન્દ્રએ ફરિયાદીને કહ્યું હતું કે, તમારૂં ટ્રાન્ઝેકશન વધુ હોવાથી તમારી પાસે બે રસ્તા છે, ક્યા તો 10થી 15 લાખ રૂપિયાનો ટેક્સ ભરી દો અથવા તો પતાવટ કરી દો. ફરિયાદીએ જ્યારે કેસ પતાવટ માટે કેટલા રૂપિયા થશે એમ કહ્યું હતું ત્યારે લાંબી રકઝક બાદ મામલો 75 હજાર રૂપિયા ઉપર નક્કી થયો હતો.

કેસ પતાવટ માટે લાંચ પેટે ૭૫ હજાર રૂપિયાનું નક્કી થતા જ ફરિયાદીએ રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. નવસારી એસીબીના પીઆઇ સીએમ જાડેજા અને તેમની ટીમે મંગળવારે સવારે છટકું ગોઠવીને ચલા સ્થિત આઇટીની ઓફિસમાં આઇટી ઇન્સપેક્ટર જિતેન્દ્રકુમારને ૭૫ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીના આ ટ્રેપનું સુપરવિઝન સુરત એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એન.પી. ગોહિલ દ્વારા કરાયું હતું. આ અંગે વલસાડ એસીબીએ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story