Connect Gujarat
ગુજરાત

સ્વૈચ્છિક સંસ્થાઓનો આદિવાસી વિસ્તારના વિકાસમાં સિંહફાળો- સંદિપ માંગરોલા

સ્વૈચ્છિક સંસ્થાઓનો આદિવાસી વિસ્તારના વિકાસમાં સિંહફાળો- સંદિપ માંગરોલા
X

-- શબરી કન્યા છાત્રલયનાં ઉદ્ઘાટન પ્રસંગે સ્વ. રત્નસિંહ મહિડાની સેવાઓને બિરદાવતા સંદિપ માંગરોલા

નર્મદા જિલ્લાનો ડેડીયાપાડા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર હોય અહીંનું ગ્રામ્ય જીવન ખેતી, પશુ પાલન તેમજ ખેતમજૂરી ઉપર નભતું આવ્યું છે. આ વિસ્તારમાં આજુ-બાજુના ગામોમાં કન્યા છાત્રાલયોનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીનીઓને પગપાળા ચાલીને દુર-દુર સુધી શિક્ષણ મેળવવા માટે જવુ પડે છે. તેવા સંજોગોમાં કન્યાઓને સરળતાથી શિક્ષણ મળી રહે તે હેતુ સાથે ડેડીયાપાડા તાલુકાના નવાગામ (પાનુંડા) ખાતે જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શબરી કન્યા છાત્રાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણેશ સુગર-વટારીયાના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ સંદિપ માંગરોલાએ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય શરૂ કરવા માટે જન કલ્યાણ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે. સમાજના ભણેલા યુવાનો ભેગા મળી સમાજના ઉત્કર્ષંમાં જોડાયા છે જે સરાહનીય છે. આશ્રમ શાળા કે ગામડાની શાળામાં ભણી જે યુવાનોએ કારકીર્દી બનાવી હોય કે સરકારમાં ઉચ્ચ હોદ્દા પર પહોચેલા છે તેઓને પણ સમાજ પ્રત્યે યોગદાન આપવા આહવાન કર્યુ.

આ તબક્કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે એ.જી.એમ.કે.એસ. ટ્રસ્ટ વાલીયા સંચાલીત ડિપ્લોમા એન્જીનીયરીંગ, બી-કોમ સહિત બી.એસ.સી. જેવા કોલેજનાં અભ્યાસક્રમોમાં વિના મુલ્યે એડમીશન મેળવી શકશે એમ જણાવ્યુ હતું. વધુમાં સ્વ. રત્નસિંહજી મહિડા દ્વારા આ વિસ્તારમાં આદિવાસી ગરીબ તેમજ આર્થીક રીતે પછાત બાળકોને શિક્ષણ મળી રહે તે માટે શાળાઓ શરૂ કરી આ વિસ્તારમાં શૈક્ષણીક ક્રાંતિ લાવવાની ઉમદા પહેલ કરી હતી.

શબરી કન્યા છાત્રાલયના શુભારંભ પ્રસંગે પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story