મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું.

તાજીયા જુલુસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જિલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુસ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ, કોર્પોરેટરો અને રથયાત્રા સમિતિ સહીત જીવદયા પ્રેમી નિલેશ ભાઈ જોશી,નાગરિક બેંક ચેરમેન પરેશ ગાંધી દ્વારા ઘોરીઓના ચોકમાં તાજીયા કમિટીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ફાલ્ગુનીબેન પટેલ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

મોહરમના દસ દિવસ એટલે યૌમે આશુરાના દિવસ હજરત મોહંમદ પયગંબર સાહેબના નવાસા હજરત હુસેન સાહેબ સચ્ચાઈ અને ન્યાય સામેની લડાઈમાં શહીદ થયા હતા. જેને મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી માતમ મનાવવા સાથે રોજ મરાશિયા ગાવામાં આવે છે અને દસમા દિવસે રોજ રાખી ઈબાદત કરવામાં આવે છે. મોહરમના દસમા દિવસે મોડાસા નગરમાં પરંપરાગત રીતે તાજીયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. કસ્બા જમાત દ્વારા કાઢવામાં આવતા તાજીયા જુલૂસમાં “યા હુસેન” ના ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. તાજીયા જુલૂસમાં અખાડા ના કરતબ નિહાળી લોકો અભિભૂત બન્યા હતા.

LEAVE A REPLY