Connect Gujarat
બ્લોગ

"એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ": ક્ષુદ્રક રચિત મૃચ્છકટિકમ્ 

એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ: ક્ષુદ્રક રચિત મૃચ્છકટિકમ્ 
X

એન્ટરટેઇનમેન્ટમાં કોઈ સામાજિક મેસેજ હોવો જોઇએ અથવા સામાજિક મેસેજ આપવા માટે એન્ટરટેઇનમેન્ટ સાથે હોવું જરૂરી છે. આ આપણી શુધ્ધ માન્યતા છે. એકલું એન્ટરટેઇનમેન્ટ ન હોવું જોઈએ, પ્રજા જો એન્ટરટેઇનમેન્ટ માણવા જાય તો ભેગાભેગી બે ચાર મેસેજ તો આપી જ દેવા પડે. આ કારણે આપણે શુધ્ધ એન્ટરટેઇનમેન્ટનો રસ અને આસ્વાદ બંને ગુમાવી દીધા છે. એન્ટરટેઇનમેન્ટમાંથી મેસેજ આપવાની જવાબદારી દરવખતે રચનાકારની નથી હોતી. જો કોઈ મેસેજ લાગે તો વાચક કે દર્શકે જાતે લઈ લેવો જોઈએ. આધુનિક વાચક અને દર્શક હવે મેચ્યોર થતો જાય છે. તેને રચનાકાર શું કહેવા માંગે છે, તે સમજાય છે. ઘણી વખત જોક સમજાય નહીં તો તેને સમજાવવો અને પછી સમજનારો હસી પડે એવું ક્યારેય થતું નથી. ગુજરાતીનું ગુજરાતી કરવું પડે એ રીતે મેસેજ આપવો પડે તો એ હાસ્યાસ્પદ નીવડે છે.

આપણા હજાર પંદરસો વર્ષ જૂના નાટકોમાં પ્રસન્નતા નામનું એન્ટરટેઇનમેન્ટ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતું હતું. આ નાટકોમાંથી મેસેજ કાઢવાની જવાબદારી માત્ર દર્શકની જ હતી. આ પૌરાણિક નાટકોમાં આંખે ઉડીને વળગે એવું કોઈ નાટક હતું તો તે, મૃચ્છકટિકમ્....

મૃચ્છકટિકમ્ એટલે ફિલ્મો (નાટકો) માત્ર ત્રણ જ કારણે ચાલે છે.... એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ.....

નાટકનો વિલન શકાર બે સાથીઓ સાથે હિરોઈન વસંતસેનાની અંધારા માર્ગમાં પાછળ પડે છે, નાટકનો પ્રારંભ. ખાલી પહેલો જ અંક એટલે નાટકના પૈસા વસૂલ. જે રીતે વસંતસેના અંધારામાં ભાગે છે, તેના નાજુક પગમાં પથ્થર વાગે, થોડું કપડું ચિરાઈ જાય અને કાનના કુંડળ ગાલ સાથે ઘસાવાથી ગાલ પર લોહી નીકળે છે. શકારનું હલકટ માનસ અને તેના બંને સાથીઓ વસંતસેનાના પક્ષમાં. વસંતસેનાની નજીક પહોંચેલા શકારને વસંતસેના અડવાની પણ ના પાડે છે, શકાર તેને નગરવધૂને ચોઇસ હોતી નથી, ત્યારે વસંતસેનાની "ના" અમિતાભના પિંકની "નો મિન્સ નો" ની યાદ આપે છે.... હું કોઈ પણ છું, વેશ્યા છું, પણ તું તો નહીં જ. હું પ્રેમ કરીશ તો સંસ્કાર અને સભ્યતા અને મારી મરજીથી. શકારના સાથીઓ જ વસંતસેનાને તેના પ્રિયતમ ચારુદત્તના ઘરનો માર્ગ બતાવે છે. કાનના કુંડળથી, નાજુક પગ, કેડીયુ, પગની ઝાંઝરીઓ, રાત્રિનો અંધકાર, વરસાદી માહોલ, વીજળીના ચમકારા, હ્દયના ધબકારા...મન મૂકીને ક્ષુદ્રકે ઇરોટિક વર્ણન કર્યા છે. ડરથી ફફડતી વસંતસેના અને નીચતા ધરાવતો શકાર પહેલા જ અંકમાં એકદમ ઇન્ટરેસ્ટિન્ગ ટર્ન લાવે છે. મન ક્યું મહેકા ફેમ શશી કપૂરની ઉત્સવ આ જ નાટક પર આધારિત બની હતી. મૂળ વાત એટલી જ કે આ નાટકો આપણા છે, આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા સમૃદ્ધિ, આપણા લોકોની જીવનશૈલી.... આપણે અભ્યાસ નહીં કરીએ તો આવનારી પેઢીઓએ જર્મન જઇને અભ્યાસ કરવો પડશે....

યસ, હીરો ચારુદત્ત, એક જમાનામાં ધનિક બ્રાહ્મણ નગરશેઠ. આજે ગરીબ થઈ ગયો અને સનાતન સત્ય બોલી નાખે છે કે ખાલી હાથ હોવું એટલે તમામ દુઃખોને આમંત્રણ. વસંતસેના દોડતી ભાગતી ચારુદત્તના ઘરમાં સંતાય છે, ચારુદત્તની લાચારી જોઇને વસંતસેના પોતાના ઘરેણાં સાચવવાના નામે આપી દે છે, અહીંથી અનેક ટ્વિસ્ટ આવતા જાય છે. ચારુદત્ત ઘરેણાંની પોટલી ઊંઘમાં ચોરને આપે છે. ચોરની પ્રેમિકા વસંતસેના પાસે કામ કરે છે, તેની મુક્તિ માટે ચોરી કરે છે. વસંતસેનાને ધન આપવા ચારુદત્ત ના જ ઘરમાં ચોરી કરે છે. ચોરી કરતા પહેલાં દીવાલમાં બાકોરૂ પાડે છે. ચારુદત્ત આ બાકોરું જોઈને અદ્ભુત વાત કરે છે કે મૂળ દીવાલ કરતા પણ આટલું અદભુત બાકોરું મારા જીવનમાં ક્યારેય જોયું નથી. દરેકના જીવનમાં બાકોરું તો પડતું જ હોય, પણ કોઈ હસી કાઢે તો કોઈ રડીને સમય કાઢે. ચોઇસ અપની અપની....પણ બાકોરું તો પડે જ....

ગીત સંગીત રોમાન્સ અને મિલન....ચારુદત્તની પત્ની ધૂતા આનંદ અનુભવે છે કે, મારા પતિને એ સ્ત્રી પ્રેમ કરે છે, જેની ખાલી નજર મેળવવા ગામના લોકો શું તડપે છે. ફિલ્મી સ્ટાઈલમાં બળદગાડા બદલીને શકાર વસંતસેનાને ઉપાડી જાય છે. બળાત્કાર થતાં માંડ બચેલી વસંતસેના જંગલમાં મરવા પડી છે, સાધુ બચાવે છે. વસંતસેનાના મર્ડરનો આરોપ ચારુદત્ત પર. ફાંસીની સજા, વસંતસેના જીવતી પાછી આવી અને ફાઇનલ ઢીસુમ ઢિસુમ.... બાકી રહ્યો એન્ડ એટલે ચારુદત્તનુ પત્ની ધૂતા સાથે મિલન અને ધૂતાએ વસંતસેનાનો કરેલો સ્વીકાર. રાજ્ય દ્વારા વસંતસેનાનું સન્માન. બધા ખૂશ....ઓડિયન્સ પણ ખૂશ , મેં ભી ખૂશ, તુમ ભી ખૂશ...

આપણી અને શકારની વચ્ચે એક જ સમાનતા, મહાભારતના પાત્રો રામાયણમાં અને રામાયણ આખું મહાભારતમાં..... વોટ્સઅપ અને ફેસબુક પર કોઈ પણ ઘટનાને ક્યાંય ભેગી કરવાની આધુનિક સોશ્યલ મીડિયાની વૃત્તિ શકાર જેવી છે. છોડો, નો સલાહ....નવરાશની પળોમાં વસંતસેના, ચારુદત્ત, શકાર, મૈત્રેય, ધૂતા, બલ્લમ, રદનિકા, મદનિકા, સંવાહક, શર્વિલક, ચંડમહાસેન, રોહસેન, વર્ધમાનક, ચંદનક, આર્યક..ઓહોહો...થાકી જાવ એટલાં પાત્રો સાથે વરસાદની મદમસ્ત રાતો, રોમેન્ટિક સીન સાથે ફાઇટની ધમાલ, થોડી ટ્રેજેડી તો લાંબી કોમેડી..હીરો અને હિરોઈન પર થતો વિલનનો જુલમ....સવાલનો જવાબ ખાલી એટલો જ કે, નો મેસેજ પ્લીઝ.... ઓન્લી એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ એટલે મૃચ્છકટિકમ્. મૃચ્છકટિકમ એટલે મગજ બાજુ પર મૂકીને માણવાની અદભૂત રચના...

Deval Shastri

Blog by : Deval Shastri

Next Story