કરજણ તાલુકાના વલણ ગામમાંથી ૧ કિલો ઉપરાંતના ગાંજા સાથે ૧ ઝડપાયો

New Update
કરજણ તાલુકાના વલણ ગામમાંથી ૧ કિલો ઉપરાંતના ગાંજા સાથે ૧ ઝડપાયો

દેશની યુવા પેઢીને નશીલા પદાર્થના રવાડે ચડાવી પાયમાલી તરફ ધકેલી યુવા પેઢીને ખોખરી કરતા નશીલા પદાર્થનો વેપલો કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી સકંજો કસ્યો છે. વાત કરીએ કરજણ તાલુકાના વલણ ગામની તો વલણ ગામમાં રહેતા હનીફ ઇસ્માઇલ ભૈયાના ઘરમાંથી કરજણ પોલીસ તેમજ ભરૂચ એસ ઓ જી એ સંયુક્ત ઓપરેશન પાર પાડી એક કિલોગ્રામ ઉપરાંતના ગાંજા સાથે હનીફ ભૈયાને ઝડપી પાડ્યો હતો. વાગરા ખાતે એક મહિલાને ભરૂચ એસ ઓ જી પોલીસે ગાંજા સાથે ઝડપી પાડતા મહિલાની પુછપરછ કરતા મહિલાએ ગાંજાનો જથ્થો ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતા હનીફ ભૈયા પાસેથી લાવી હોવાનું પોલીસને જણાવતા સમગ્ર ગાંજાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

મહિલાએ આપેલી માહિતીના આધારે ભરૂચ એસ ઓ જી પોલીસ તથા કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ડાંગરવાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદિપ સરવૈયા તેમજ કરજણ પોલીસ મથકના પોલીસ સ્ટાફ સાથે વલણ ગામમાં રહેતા હનીફ ઇસ્માઇલ ભૈયાના ઘરમાં છાપો મારતા હનીફના ઘરના રસોડામાં પ્લાસ્ટિકની થેલીમાં મુકેલા ૧ કિલો ૫૪૮ ગ્રામનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧૦,૮૩૬ સાથે હનીફ ભૈયાને ઝડપી પાડી કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા ખાતે એક મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ જતા સમગ્ર ગાંજા પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.