કેનેડામાં છૂટાછેડા લઈ પાછી આવેલી પુત્રવધુ તાળુ તોડી ઘુસી ગઈ સસરાના ફ્લેટમાં

New Update
કેનેડામાં છૂટાછેડા લઈ પાછી આવેલી પુત્રવધુ તાળુ તોડી ઘુસી ગઈ સસરાના ફ્લેટમાં

રણાતિર્થ દેરાસર રોડની ઘટનાની સેટેલાઈટ પોલીસમાં FIR, માતા પુત્ર, પૌત્રી પાસે કેનેડા જતાં ફેક્ટરી માલિક પિતા એકલાં છે.

પ્રેમલગ્ન પછી પતિ-પત્ની વચ્ચે પારિવારીક વિવાદની આંચકો આપનારી ઘટના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં FIR રૂપે નોંધાઈ છે. ફેક્ટરી માલિકના પુત્રએ પ્રેમલગ્ન કર્યાં અને સાત વર્ષ પહેલાં કેનેડા સ્થાયી થયો હતો. પુત્રી અવતરી પછી અણબનાવ થતાં પતિ-પત્નીએ કેનેડામાં છૂટાછેડા લીધા હતા.

એપ્રિલ મહિનામાં છૂટાછેડા લીધા પછી પત્ની ભારત પરત ફરી હતી. ભારત આવેલી પૂર્વ પુત્રવધુ સેટેલાઈટના પ્રેરણાતિર્થ દેરાસર રોડ વિસ્તારમાં ભૂતપૂર્વ સસરાના બંધ ફ્લેટમાં તાળું તોડીને ઘૂસી ગઈ હતી. સામાજીક તાણાવાણાની અજીબોગરીબ ઘટના અંગે ફરિયાદ નોંધી સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી છે.

વાસણામાં રહેતા અને અંકલેશ્વરમાં ફેક્ટરી ધરાવતા સુકેતુભાઈ (તમામ નામ બદલ્યા છે) બે પુત્ર પૈકીના મોટા પુત્ર પ્રિયાંશએ વર્ષ ૨૦૧૧માં સીમા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી પ્રિયાંશ અને સીમા કેનેડા સ્થાયી થયા હતા. બન્નેને એક પુત્રી અવતરી હતી. પ્રિયાંશ અને સીમા વચ્ચે મનમેળ ન રહેતાં બન્નેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. ગત તા. ૧૩/૦૪/૨૦૧૮ના રોજ પ્રિયાંશ અને સીમાના છૂટાછેડા કેનેડાની કોર્ટમાં થઈ ગયાં હતાં. આ પછી સીમા પોતાની પુત્રીને પતિ પ્રિયાંશ પાસે જ છોડીને અમદાવાદ આવી ગઈ હતી.

પુત્રવધુ અમદાવાદ પરત ફરતાં પ્રિયાંશ અને પૌત્રીની સંભાળ લેવા માટે માતા કેનેડા પહોંચ્યા હતા. નાનો પુત્ર પણ પ્રેમલગ્ન કર્યા બાદ અમેરિકા સ્થાયી થયો હોવાથી સુકેતુભાઈ એકલાં જ અમદાવાદમાં રહે છે. વાસણામાં રહેતા સુકેતુભાઈ અંકલેશ્વરમાં આવેલી તેમની ફેક્ટરીએ ગયા હતા.

આ સમયે ભૂતપુર્વ વેવાઈએ ફોન કરીને કહ્યું હતું કે, ‘મારી પુત્રી સીમા તમારી સાથે સેટેલાઈટના ફ્લેટમાં રહેવા આવે છે.’ સુકેતુભાઈએ ‘પુત્ર પ્રિયાંશ અને પુત્રવધુ સીમાના છૂટાછેડા થઈ ગયા છે એટલે કોઈ સંબંધ નથી, સીમાને મોકલશો નહીં’ તેવી વાત કરી હતી. પણ, વેવાઈએ ફોન કટ કરી નાંખ્યો હતો.

થોડીવાર પછી પાડોશી મિત્રએ ફોન કરી સુકેતુભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા ફ્લેટમાં તમારી પુત્રવધુ સીમા તાળું તોડીને રહેવા આવી છે. અમદાવાદ પરત ફર્યા પછી સુકેતુભાઈએ સમજાવટથી પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કર્યા હતા. આખરે, છૂટાછેડા લઈ ચૂકેલી પુત્રવધુ પોતાના ફ્લેટમાં ઘુસી ગયાની ફરિયાદ સુકેતુભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.