/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/12-3.jpg)
પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં આયુષ્માન ભારત દિવસની ઉજવણીનો સમારોહ યોજાયો હતો. મંત્રીએ એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશભરના નાગરિકોને તબીબી સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ આપતી અને જરૂરતમંદ નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારીની પ્રતિબધ્ધતાનો પરિપાક એવી આયુષ્માન ભારત યોજના લોન્ચ થયે એક વર્ષ પૂર્ણ થયું છે અને આ એક વર્ષ દરમિયાન અનેક પરિવારોએ આ યોજનાની સહાયથી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકને ઉત્તમોત્તમ સારવાર મળે તે સરકારની નેમ છે અને આયુષ્યમાન ભારત, મા અમૃતમ જેવી યોજનાઓની મદદથી સરકાર દરેક નાગરિકને શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. મંત્રીએ ઉમેર્યુ હતું કે સરકારનો પ્રયાસ ફિટ ઈન્ડિયા, સ્વચ્છતા હી સેવા જેવી ઝુંબેશ તેમજ હેલ્થ અને વેલનેસ સેન્ટર દ્વારા લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને બિમાર પડતા અટકે તેવો છે. છતા લોકો બિમારીનો ભોગ બને તો નાણાંકીય પરિસ્થિતી નબળી હોવાના કારણે સારી સારવારનો લાભ મેળવી શકે તેમ ન હોય તો તેમની સહાય માટે સરકારે આ યોજનાઓ અમલમાં મૂકી છે.
આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે જણાવ્યું હતું કે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને શ્રેષ્ઠ તબીબી સારવારની ખાતરી આપતી આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલ ઉજવણીનો હેતુ આ યોજનાની જાણકારી અને લાભ જિલ્લાના સૌથી અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકો સુધી પહોંચતો કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે તંત્રનો પ્રયાસ છે કે છેવાડાનો દરેક માનવી આ સેવા હેઠળ આવરી લેવાય.
કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન કૈલાસબેન પરમાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્ર જૈને પ્રાસંગિક સંબોધન કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આયુષ્માન ભારત યોજના વિશેની એક માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર તેમજ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને મા અમૃતમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આરોગ્ય તપાસ કેમ્પમાં ૨૦૦૦થી વધુ લાભાર્થીઓએ કેન્સર, હદયરોગ અને હાડકાના રોગના નિષ્ણાંત તબીબોના નિદાનનો લાભ લીધો હતો.