જમ્મુ-કાશ્મીરમાં સોમવારના રોજ સુરક્ષાદળો  પર ત્રણ આતંકી હુમલા બાદ સેના એલર્ટ પર છે. તેમાંથી અનંતનાગમાં થયેલ અથડામણ દરમ્યાન એક મેજર શહીદ થયા હતા. છેલ્લાં24 કલાકમાં ઘાટીમાં એક અથડામણ અને 2 બીજા આતંકી હુમલામાં એક પાકિસ્તાની આતંકી ઠાર થયો છે. આ હુમલામાં એક અધિકારી સહિત સુરક્ષાબળોના 12 જવાન ઘાયલ થયા છે. બે સામાન્ય નાગરિક પણ ઘાયલ થયા છે.

પહેલો હુમલો
અનંતનાગ જિલ્લાના અચબલમાં સુરક્ષાબળોને સોમવારની સવાર-સવારમાં આતંકીઓ છુપાયાની માહિતી મળી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવ્યું. આતંકીઓને તેની ખબર પડી ગઇ અને તેમણે સુરક્ષાબળો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. આ હુમલામાં મેજર કેતન શર્મા શહીદ થઇ ગયા તેમજ બીજા એક અધિકારી અને બે જવાન ઘાયલ થયા. અથડામણ દરમ્યાન એક આતંકી ઠાર કરાયો, તેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળ્યો છે.

બીજો હુમલો
પુલવામાના અરિહલ ગામમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સના એક વાહન પર આઇઇડી દ્વારા હુમલો કરાયો. એક અધિકારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારના રોજ આતંકવાદીઓએ સેનાના એક કાફલાને નિશાન બનાવતા એક વાહન સાથે બાંધેલા આઈઈડીમાં વિસ્ફોટ કરી દીધો, તેમાં 9 જવાન અને 2 નાગરિક ઘાયલ થયા હતા.

ત્રીજો હુમલો
સેનાના વાહન પર હુમલા બાદ ત્રાલમાં સીઆરપીએફની 180મી બટાલિયનના હેડક્વાર્ટર પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરાયો. અજ્ઞાત હુમલાખોરોએ હેડક્વાર્ટરમાં હાજર જવાનોને નિશાન બનાવાની કોશિષ કરી, જો કે આ ગ્રેનેડ કેમ્પની બહાર પડીને ફાટી ગયો. આ હુમલામાં કોઇને નુકસાન પહોંચ્યાની માહિતી મળી નથી.

જમ્મુ કાશ્મીરમાં એક દિવસ પહેલા જ IED હુમલો થવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ થી જ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

LEAVE A REPLY