ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા તથા શ્રી નર્મદા ગૃપ ઝઘડિયાના ઉપક્રમે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ખેડૂત જાગૃત્તિ શિબિરને ખુલ્લી મુકી હતી. આ શિબિરમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્યમાં સુભાષ પાલેકરજી પ્રેરિત પ્રાકૃતિક કૃષિ ખેડૂત અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જ ખેડૂતોની આવક બમણી કરી શકાશે.

રાજ્યપાલે જણાવ્યું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચે ઉત્પાદન મેળવીને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની શકે છે. એટલુ જ નહી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઝેરથી મુક્ત કૃષિ ઉત્પાદનો મેળવવાથી લોકોના સ્વાસ્થ્યની પણ રક્ષા થશે.

રાજ્યપાલે જણાવ્યું કે, પાલેકરજી ખેતીમાં એક ગાય દ્વારા ૩૦ એકરની ખેતી થઈ શકે છે. દેશી ગાયના છાણ, ગૌ-મૂત્ર, ગોળ, બેસન અને માટીના મિશ્રણથી તૈયાર થતું જીવામૃત ચાર દિવસમાં તૈયાર થાય છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આ જીવાણુંઓ જ કૃષિ માટે અગત્યના છે. તેમણે ઉમેર્યું કે, જીવામૃત અને ઘનજીવામૃતમાં આવા કરોડો જીવાણુંઓ હોય છે જે કૃષિ પાકના મૂળ સાથે સહજીવન કરી પાકને પોષણ આપે છે. દુનિયામાં આનાથી શ્રેષ્ઠ કોઈ પધ્ધતિ નથી તેમ જણાવી તેમણે પોતાની ૨૦૦ એકર જમીનમાં થઈ રહેલી પાલેકર ખેતી અંતર્ગત એક રૂપિયાનો બજારમાંથી સામાન ખરીદ્યા વિના શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.

પદ્યશ્રી અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ અંગેનું જન આંદોલન ઉભું થયું છે. ગુજરાતના ખેડૂતો જાગૃત બની રાસાયણિક ખાતર આધારિત અને સંપૂર્ણ વિદેશી ટેકનિક ધરાવતી સજીવ ખેતીને બદલે હવે પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે. સમગ્ર દેશમાં આજે ૫૦ લાખ ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરે છે.

પાલેકરે વધુમાં જણાવ્યું કે, આજે પરંપરાગત ખેતી રાસાયણિક, સજીવ, વૈદિક, યોગિક અને પ્રાકૃતિક ખેતીના વિકલ્પ છે તેમાં હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક સક્ષમ વિકલ્પ ઉભો થયો છે. તેમણે ઉમેર્યું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં ખાતરની જરા પણ જરૂરત નથી. આ પધ્ધતિમાં ગાયનું છાણ – મૂત્ર તથા અન્ય વસ્તુઓથી બનતા જીવામૃતનો ઉપયોગ થાય છે. શ્રી પાલેકરે જણાવ્યું કે, ભારતમાં હવે માત્ર ૩૫ કરોડ એકર જમીન બચી છે. આ જમીનમાંથી બમણું ઉત્પાદન મેળવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે જેને પરિણામે આપણે જળવાયુ પરિવર્તનના પડકારોને પણ પહોંચી વળીશું.

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતામાં વધારો થવા સાથે ઉત્પાદન પણ પુરતુ મળી રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું. સુભાષ પાલેકરે ખેડૂતોના હિતમાં ગુજરાતમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન અભિયાન ઉપાડવાના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.

પાલેકરે દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મહત્તમ વાવેતર થાય છે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી દ્વારા શેરડીનું બમણં ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

પાલેકરે ઉમેર્યું કે, ભારતની વસ્તી આજે ૧૩૦ કરોડ છે અને વર્ષ ૨૦૩૦ માં આંકડો ૧૫૦ કરોડ અને વર્ષ ૨૦૫૦ માં ૧૬૨ કરોડ પહોંચશે. અત્યારે ૨૬ કરોડ મેટ્રિકટન ખાધાન્ન પેદા કરવું પડે છે તે વધારીને ૪૦ કરોડ મેટ્રિકટન કરવું પડશે ત્યારે રાસાયણિક ખાતરથી ઉત્પાદન વધારી શકવું અશક્ય છે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, માનવજાતના કલ્યાણ માટે ખેડૂતો સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ છે.

પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂત જાગૃત્તિ શિબિર આગામી સમયમાં ખેડૂતો માટે માઈલસ્ટોન બની રહેશે એવી લાગણી વ્યક્ત કરતાં રાજ્ય સરકારે સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોએ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ખેતીમાં ઉપયોગ ઘટાડી, પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે જણાવ્યું હતુ. પ્રારંભમાં શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે ફાયદારૂપ હોવાનું જણાવ્યું હતું.

સુભાષ પાલેકરજી પ્રાકૃતિક કૃષિ જાગૃત્તિ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડાના વાઈસ ચેરમેન અજયસિંહ પરમાર,  હોદ્દેદારો,  ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલા, પ્રાકૃતિક ખેતીના ખેડૂત પ્રફુલ્લભાઈ પટેલ, કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા,  જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડારાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી રમેશભાઈ ભગોરા, લઘુ ભારતીના બલદેવભાઈ પ્રજાપતિ, એ.પી.એમ.સી.ના હોદ્દેદારો, સરપંચ રસીલાબેન વસાવા, આગેવાન પદાધિકારીઓ, વિવિધ સંસ્થાના સદસ્યો સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here