ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલો ધોલીડેમ રવિવારે બપોરે 3 વાગે ઓવરફલો થતા નીચાણવારા 13 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર ધોલી સિંચાઇ પેટા વિભાગ રાજપારડીના કે. એમ. બેરાવાલાએ જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોલીડેમ ઓવરફલો થયો છે અને ડેમમાંથી માધુમતિ ખાડીમાં પાણી વહી રહ્યું હોઇ ખાડીની આસપાસના ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, મોટા સોરવા, કપાટ, તેજપુર હરિપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુરા આમ કુલ મળીને 13 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
ધોલીડેમની મહત્તમ સપાટી 136 મીટરછે અને રવિવારે બપોરે 3 વાગ્યે ડેમની સપાટી 136.05 સે.મી. પહોંચતા 05 સે.મી. થી ડેમ ઓવરફલો થઇ રહ્યો છે. જેના પગલે 13 ગામોને લોકોને માધુમતિ ખાડીમાંથી પસાર ન થવા તેમજ પશુઓને ખાડી વિસ્તારથી દુર રાખવા તંત્ર દ્વારા જણાવાયુ છે. હાલ ડેમમાંથી 169 ક્યુશેક પાણી વહી રહ્યું છે. જ્યારે ઉપરવાસમાંથી 588 ક્યુશેક પાણીની આવક છે. ઝઘડીયા મામલતદાર જે. એ. રાજવંશીએ જણાવ્યું હતું. ધોલીડેમ ઓવરફલો થતા ટીમ સાથે આજે સોમવારે ડેમની પરિસ્થિતિનો તાગ મેળવાશે તેમજ જરૂરિયાત મુજબના પગલા લેવાશે માધુમતિ ખાડીની આજુબાજુના લોકોને સાવધ રહેવા જણાવ્યું હતું.