નર્મદાના પુરના પાણીએ અંકલેશ્વર તાલુકામાં વેર્યો છે વિનાશ

નર્મદા નદીમાં આવેલા પુરની સૌથી વધારે અસર અંકલેશ્વર તાલુકાના કાઠા વિસ્તારના ગામોમાં વર્તાઇ રહી છે. કાંઠા વિસ્તારના ગામો અને ખેતરો જળબંબાકાર હોવાથી હજારો એકરમાં ખેતીને નુકશાન થઇ ચુકયું છે તો બીજી તરફ નદીના વહેણમાં જમીનનું ધોવાણ થઇ રહયું છે. પુરથી અસરગ્રસ્ત લોકો સુધી સરકારી મદદ હજી પહોંચી નથી પણ અમે લોકોની વ્યથાને સાંભળી હતી.
નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નર્મદા નદી એક સપ્તાહ ઉપરાંતથી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નર્મદા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યાં છે. અંકલેશ્વર તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલાં કોયલી, ધંતુરીયા, શકકરપોરભાઠા અને જુના બોરભાઠા બેટ સહિતના ગામોમાં આજે પણ પુરના પાણી કહેર વરસાવી રહયાં છે. 2500 હેકટરથી વધારે ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ હોવાથી ખેતી નિષ્ફળ ગઇ છે. બીજી તરફ નદીના પાણીમાં ગોલ્ડનબ્રિજથી કુકરવાડા સુધીના 15 કીમીના પટમાં જમીનનું ધોવાણ થઇ રહયું છે. એક સમયે જયાં ગામ હતું ત્યાં આજે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયાં છે. નદીમાં આવેલા પુરે ગામ લોકોનું જીવન અને ખેતી બંને વેરણછેરણ કરી નાંખ્યું છે. લોકો સુધી સરકારી અધિકારીઓ કે જન પ્રતિનિધિઓ પહોંચ્યાં નથી પણ અમારી ટીમ તેમના સુધી પહોંચી હતી. પુરની વિપરિત સ્થિતિનો ચિતાર આપતાં લોકોની આંખો પણ ભીની થઇ ગઇ હતી. ગામલોકોએ રોષ ભેર જણાવ્યું હતું કે, જમીનનું ધોવાણ અટકાવવા માટે વર્ષોથી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી રહયાં છીએ. પ્રોટેકશન વોલ નહિ બનાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.