Connect Gujarat
ગુજરાત

નર્મદા નદીના મુદ્દે આપણી હિન્દુત્વની ધાર અને ધાર્મિક લાગણી બુઠ્ઠી થઈ ગઈ છે.

નર્મદા નદીના મુદ્દે આપણી હિન્દુત્વની ધાર અને ધાર્મિક લાગણી બુઠ્ઠી થઈ ગઈ છે.
X

જેના દર્શન માત્રથી જીવન પાવન અને પવિત્ર થઈ જાય તેવી ભારતીય સંસ્કૃતિની ધરોહર, જીવદાયીની, હિન્દુઓના શ્રધ્ધા શિખરેથી વહેતી, અનેક ધાર્મિક અને ભૌગોલિક માહાત્મ્ય ધરાવતી અને શાસ્ત્રોમાં જેણે શિવપુત્રી કહી છે જેના કિનારે પ્રત્યેક કંકરમાં ભગવાન શંકરનો નિવાસ છે એવી પવિત્ર સલિલ નર્મદા આજે નામશેષ થઈ ગઈ છે. એક આખે આખી ધાર્મિક, સામાજીક, આર્થિક અને ભૌગોલિક સંસ્કૃતિ કાળની ગર્તામાં ગરક થઈ રહી છે. તેના માટે જવાબદાર કોણ આ પ્રશ્ન જનમાનસમાં રોજેરોજ પડઘાય છે ત્યારે હવે આ અંગે આપણે જ મનોમંથન કરવું પડશે કે કયાંક આપણા હિન્દુત્વની ધાર અને ધાર્મિક લાગણી બુઠ્ઠી તો નથી થઇ ગઈ ને ?

ભગવાન રામ અને અનેક મંદિરોની સંસ્કૃતિ બચાવવા જીવ સટોસટની બાજી ખેલનારા આપણે આપણી સંસ્કૃતિ, સ્વાભિમાન અને શ્રધ્ધાના અસ્ખલિત પ્રવાહ જેવી ગણાતી નર્મદા નામશેષ થાય છતાં કશું ન કરીએ! સાવ શાંત બેસી રહીએ! ઘરના ખુણામાં બેસી નર્મદા નદી સુકાઈ ગઈ હોવાની બૂમરાણ મચાવીએ, રાજકીય પક્ષો અને નેતાઓને ગાળો દઈએ, પણ નર્મદાને બચાવવા એક પ્રયાસ પણ ના કરીએ ? શું આપણી ધાર્મિક શ્રધ્ધા આટલી બધી કુંઠીત થઈ ગઈ છે ?

કોઈએ જો દેવી–દેવતા વિરૂધ્ધ એક શબ્દ પણ કહયો હોય તો આપણે આવેદનો, રેલીઓ અને આંદોલનો પર ઉતરી આવીએ છીએ. કારણકે આપણી ધાર્મિક લાગણી દુભાય છે. એવા સંજાગોમાં હિન્દુ સંસ્કૃતિના સ્વાભિમાનનો પ્રશ્ન ગણાવી આપણે આખો દેશ ગજવીએ છીએ. જેમાં આપણે સૌ સામાન્ય માણસો જ નહીં સાધુ-સંતોની આખે આખી ફોજ પણ જોડાય છે. પરંતુ પવિત્ર સલિલ નર્મદાને બચાવવા માટે આપણે કેમ ઊણાં અને કૂણાં પડીએ છીએ તે જ સમજાતું નથી. શું આપણી ધાર્મિક શ્રધ્ધા મરી પરવારી છે ? શું આપણે આપણું હિર ગુમાવી દીધું છે કે પછી કોઈ અજ્ઞાત ડરથી આપણે સૌ ડરી રહ્યા છીએ ? આનું મનોમંથન થવું ખૂબ જરૂરી છે.

નર્મદા નદી આદીકાળથી વૈભવી વારસો ધરાવે છે. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સરસ્વતી નદીનું જળ પાંચ દિવસમાં મનુષ્યને પવિત્ર કરે છે, યમુનાનું જળ સાત દિવસમાં અને ગંગાનું જળસ્નાન કે આચમન કરતા તત્કાલ માણસને પવિત્ર કરે છે. પરંતુ નર્મદાના જળનું દર્શન કરવા માત્રથી માણસ પવિત્ર થઈ જાય છે. આટલું માહાત્મ્ય ધરાવતી નર્મદાના જળ ભરૂચમાં દુર્લભ થઈ ગયા છે. અહીં નર્મદામાં દરિયાના ખારા પાણીના દર્શન થાય છે. એટલે નર્મદાના જળના દર્શન ન થતા હોવાથી આપણામાં રહેલી પવિત્રતા નામશેષ થઈ ગઈ હોય તેમ લાગે છે. અને કદાચ એટલે દેવ–દેવીઓ વિષે અભદ્ર ટીપ્પણીઓથી ફૂંફાડા મારતું લોહી નર્મદા નદીને બચાવવા ઉકળતું નથી, ઠંડુગાર થઈ ગયું છે.

આ એ જ નર્મદા નદી છે. જે દેશની સાત પવિત્ર નદીઓમાંની એક ગણાય છે. જેના કિનારાના પથ્થર પણ શીવલિંગ તરીકે પૂંજાય છે. આ એ જ નદી છે જેનો વૈભવ જાઈ ભગવાન વિષ્ણુ સાથે આકાશ વિહાર કરવા નિકળેલ લક્ષ્મીજી પણ મોહિત થઈ ગયા હતા. જેના કિનારે આદી શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવતપાદને મળ્યા હતા અને તેમની પાસેથી દિક્ષા લીધી હતી. આ એ જ નદી છે જેના કાંઠે ભૃગુઋષિ, માર્કંડ ઋષિ, કપિલમુની સહિત અનેક ઋષિ મુનિઓએ તપ કર્યા હતા. ભૃગુઋષિના એક આહવાનથી નર્મદા મૈયા તેમના આંગણામાંથી વહેતા થયા હતા. આવા ભૃગુ ઋષિની તપસ્થલીથી નર્મદા મૈયા લુપ્ત થઈ ગઈ છે, છતાં આપણે ઋષિ પરંપરામાં માનનારાઓના પેટનું પાણી પણ હાલતું નથી. એ ખરેખર દુઃખદ વાત છે.

લાગે છે કે આપણા હિન્દુત્વની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. આપણી શ્રધ્ધા તળિયે બેસી ગઈ છે. એટલે નર્મદા મૈયાનો ચિત્કાર આપણા હૃદયને સ્પર્શતો નથી. અવનવા દાવાઓ આગળ ધરી, બહાનાઓ કાઢી નર્મદા મૈયાની ધરાર અવગણના કરીએ છીએ. જા હજી પણ નહીં જાગીએ તો એક આખે આખી સંસ્કૃતિ અને ધરોહરનો વિનાશ થઈ જશે. નર્મદા નદીના કિનારે ઉછરેલી અને પાંગરેલી મહાન વિરાસત નામશેષ થઈ જશે, લાખો વૃક્ષોનું નિકંદન નીકળી જશે, જમીન ખારી થઈ જશે, ખેતી ખતમ થઈ જશે, ભૂગર્ભ જળ ખારા અને દૂષિત થઈ જશે, જળ અને જીવસૃષ્ટિ સામે ખતરો ઊભો થશે અને ત્યારે જીવનથી ત્રાહિમામ પોકારી આપણે ફરી એક વખત આ સંકટમાંથી ઉગારવા ભગવાનના નવા અવતાર માટે રાહ જાઈશું.

પરંતુ આપણાં કવિઓ, લેખકો અને ચિંતકો કહે છે કે કૃષ્ણ અવતાર પછી ભગવાન પણ થાક્યા છે. તેમણે કહ્યુ હતું કે હવે માનવીને સંકટોમાંથી બહાર લાવવા ફરી અવતાર ધારણ નહીં કરે. માનવીએ જાતે જ પોતાની સમસ્યાઓ માટે લડવું પડશે.

નર્મદાના અસ્તિત્વ એ સમગ્ર જીવ, જમીન અને જળસૃષ્ટિના અસ્તિત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નને આપણે જ હલ કરવા પ્રયાસ કરવા પડશે અને જા આપણે પ્રયાસ નહિં કરીએ તો આવાનારી પેઢી આપણને કયારેય માફ નહીં કરે.

Next Story